– ખોટી રીતે ફોર્મ સાત ભરી નામ રદ કરવા સામે વિરોધ : જવાબદારો સામે કાર્યવાહીની માંગ
ભરૂચ,
ભરૂચના મકતમપુર મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખાસ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ કરી નામ કમી કરવાની વાંધા અરજીઓ આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે આ માટે જવાબદાર વ્યક્તિઓ અને તેમને મદદ કરનાર સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયુ છે કે હાલ ચાલી રહેલો ખાસ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમ્યાન ભરૂચના મક્તમપુર ગામના અનેક કાયદેસર અને વર્ષોથી રહેતા રહેવાસી મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી હોવાની ગંભીર બાબત ધ્યાનમાં આવી છે.મક્તમપુર ગામમાં કરવામાં આવેલી ઘણી વાંધા અરજીઓ બાબતે કોઈપણ જાતની સ્થળ તપાસ કરવામાં આવી નથી “એટલું જ નહીં પણ સંબંધિત મતદારોને પૂછપરછ કરવામાં આવી નથી સાથે સાથે કેટલાક કિસ્સોમાં અરજી કે પુરા આવ્યા પુરાવા જોયા વિના જ ફોર્મ ભરીને પરત મોકલી આપવામાં આવ્યા છે.આ પ્રકારની કાર્યવાહીથી મકતમપુર ગામના સાચા અને કાયદેસર મતદારોના નામ મતદાર યાદી માંથી કાઢી નાખવામાં આવે એવી ગંભીર શક્યતા ઊભી થઈ છે.
હાલમાં આ યાદીમાં જે લોકોના નામો કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે તે તમામમાં મોટાભાગના લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં નિવૃત અધિકારીઓ પણ છે સાથે ધારાશાસ્ત્રીઓ, વેપારીઓ,જાગૃત નાગરિકો છે.વધુમાં જણાવાયું છે કે ગામનું સોહાદ પૂર્ણ વાતાવરણ બગાડવા રાજકીય પક્ષના હાથા બનીને ફોર્મ નંબર સાત ભરેલ છે.ફોર્મ નંબર સાત ભરનારા તેમજ સ્વીકારનાર સરકારી અમલદારો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
આવેદનપત્ર પાઠવવામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો હાથમાં ત્રિરંગા સાથે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા.




