– બે આરોપીઓને ઝડપી પડ્યા : એકને વોન્ટેડ જાહેર કરાયો
ભરૂચ,
ભરૂચ તાલુકાના પાલેજ વિસ્તારમાં પોલીસે પશુઓ પ્રત્યેની ક્રૂરતા ડામવા માટે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યમાં પશુઓની ગેરકાયદેસર હેરફેર રોકવા માટે ચાલી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે,પાલેજ પોલીસે બાતમીના આધારે એક ટ્રકને અટકાવી હતી.આ તપાસ દરમ્યાન ટ્રકમાં અત્યંત દયનીય હાલતમાં અને ખીચોખીચ ભરેલી ૧૬ ભેંસો મળી આવી હતી.જેમને કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહી હતી.
વડોદરા રેન્જ IG સંદીપસિંહ અને ભરૂચ SP અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ.ચૌધરી અને તેમની ટીમે આ કાર્યવાહી હાથધરી હતી.પોલીસે ઘટનાસ્થળેથી અશોક લેલેન્ડ ટ્રક GJ-02-AT-1120 સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે,જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આદરી છે.પશુઓને ઘાસચારો કે પાણીની સુવિધા વિના ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જનારા શખ્સો વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને ગુજરાત પશુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.હાલમાં પોલીસે તમામ પશુઓને સુરક્ષિત રીતે બચાવી પાંજરાપોળ મોકલી આપવાની તજવીજ હાથધરી છે અને પશુ તસ્કરીના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.




