(ભાવેશ પંડ્યા, ભાલોદ)
ઝઘડીયા તાલુકોના ભાલોદ ગામમાં દીપડાની દહેશત ફરી એકવાર સામે આવી છે.ગામની ભાગોળ નજીક આવેલા ખેતરમાં દીપડાએ એક વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રહેતા ખેડૂત યુવરાજસિંહ બારોટનું ખેતર ગામની સીમ પાસે આવેલું છે.જ્યાં તેઓ પોતાના પશુઓ બાંધે છે.ગત રાત્રે દીપડાએ પશુઓ પર હુમલો કરી એક વાછરડીને શિકાર બનાવી ફાડી ખાધી હતી.સવારે ખેતમજૂરો ખેતરે પહોંચતા વાછરડી પોતાની જગ્યાએ બાંધેલી ન જોવા મળતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ત્યાર બાદ નજીકના કેળાના ખેતરમાં વાછરડી ફાડી ખાધેલી હાલતમાં મળી આવી હતી. આસપાસ દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ ખેડૂત યુવરાજસિંહ બારોટે વન વિભાગને કરતા ઝઘડીયા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.ટીમ દ્વારા સ્થળ તપાસ કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ દીપડાને પકડવા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભાલોદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની હાજરી વારંવાર નોંધાઈ રહી છે. જેના કારણે ખેડૂતોએ અને ખેતમજૂરોએ રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવી પડી રહી છે.
ભાલોદ ગામના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ માછીએ વન વિભાગને માંગ કરી છે કે જ્યાં જ્યાં દીપડાની હાજરી જણાય છે ત્યાં તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે, જેથી ગામજનો અને પશુધન સુરક્ષિત રહી શકે.




