– ગ્રાઉન્ડ પર દોડ પુરી થયા બાદ ઉમેદવાર દર્શીત ગઢવીને બેફામ બોલતા અટકાવતા મહિલા પી.એસ.આઈ ઈલા ચાંદ્રા પર કર્યો હતો હુમલો
– મહિલા પી.એસ.આઈને તમાચો મારી નીચે પાડી દીધા હતા : બનાવ અંગે મહિલા પી.એસ.આઈ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
ભરૂચ,
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં ભરતી પ્રક્રિયા દરમ્યાન મહિલા પીએસઆઈ પર હુમલો થવાની ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે.ફરજ પર રહેલી મહિલા અધિકારી સાથે થયેલી આ અણધારી ઘટનાએ સમગ્ર ભરતી મેદાનમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો.
મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસની એમ.ઓ.બી. શાખામાં ફરજ બજાવતી મહિલા
પીએસઆઈ ઈલાબેન ચાંદ્રા મેડિકલ તંબુ ખાતે ભરતી પ્રક્રિયાની કામગીરી સંભાળી રહ્યા હતા.તે દરમ્યાન દર્શીત જયદેવ ગઢવી નામનો એક ઈસમ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી ઉશ્કેરાટભર્યું વર્તન કરી રહ્યો હતો.મહિલા પીએસઆઈએ તેને શાંતિ જાળવવા અને અપશબ્દો ન બોલવા સમજાવતાં તે આક્રમક બની ગયો હતો.
આરોપીએ અચાનક મહિલા પીએસઆઈનો કોલર પકડી તમાચો મારી દીધો હતો તેમજ હાથ પકડીને નીચે પાડી ઈજા પહોંચાડી હતી.ઘટના બનતા જ મેદાનમાં હાજર ઉમેદવારો અને પોલીસ સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. તાત્કાલિક હાજર પોલીસકર્મીઓએ દખલ કરી આરોપીને કાબૂમાં લઈ પરિસ્થિતિ સંભાળી લીધી હતી.
આ બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




