ભાજપના હોદેદારો અને પદાધિકારીઓએ નાગરિકોના મતદાર યાદી માંથી નામ કમી કરવાની પેરવી રચતા કોંગ્રેસ લાલઘૂમ

SHARE:

– આમોદમાં લોકશાહી બચાવો ના નારા સાથે કોંગ્રેસે પોલીસ મથક ગજવ્યું

ભરૂચ,

આમોદ શહેર અને તાલુકામાં ભાજપના રાજકીય હોદેદારો અને પદાધિકારીઓએ નિર્દોષ મતદારોના નામ મતદાર યાદી માંથી કાઢવાની પેરવી કરતા કોંગ્રેસ લાલઘૂમ બની હતી.જે મુદ્દે કોંગ્રેસે ભાજપના જવાબદાર હોદેદારો અને પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

આજ રોજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આમોદ પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈ વિરોધ દર્શાવી “લોકશાહી બચાવો”, દેશ બચાવો તેમજ “વોટ ચોર ગદ્દી છોડ”, જેવા નારા લગાવ્યા હતા.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના ઈશારે વહીવટી તંત્ર વિરોધ પક્ષના સમર્થકો અને સામાન્ય નાગરિકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.જેના વિરોધમાં આજે ૨૦૦ જેટલી વાંધા અરજીઓ અને ફરિયાદો પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયાને આપી ન્યાયની માંગણી કરી હતી.આ વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલા કાર્યકર રાજ બિસ્મીલ્લાબેન સિરાજભાઈએ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે હું છેલ્લા એક દાયકાથી આશાવર્કર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું છું.આમ છતાં રાજકીય દ્વેષ રાખીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન મારું નામ જાણીજોઈને યાદીમાંથી હટાવવાના કાવતરાં રચવામાં આવ્યા હતા.તેમણે પોલીસ પાસે આ કાવતરા પાછળ રહેલા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહીની હત્યા ગણાવી ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાઝીએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને ભાજપના શહેર પ્રમુખ સીધી રીતે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.લોકોના કાયદેસરના નામો સામે ખોટા વાંધા ઉઠાવીને તેમને હેરાન કરવામાં આવે છે.તેમણે વધુમાં કટાક્ષ કર્યો હતો કે જો ભાજપે સત્તાના જોરે જ ચૂંટણી જીતવી હોય તો લોકશાહીનું નાટક બંધ કરી દેશમાં ફરી રાજાશાહી કે અંગ્રેજો જેવું શાસન જાહેર કરી દેવું જોઈએ.આ કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસે સુઠોદરા ગામ અને આમોદ શહેરમાંથી અંદાજે ૧૦૦-૧૦૦ જેટલી લેખિત અરજીઓ ભેગી કરી કુલ ૨૦૦ અરજીઓનો થોથો આમોદ પોલીસને આપી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક એફ આઈ આર કરવાની માંગ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!