ભરૂચ,
આગામી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘યાદવ જી કી લવ સ્ટોરી’ હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે.ભરૂચ યાદવ-આહીર સમાજ સંઘ દ્વારા આ ફિલ્મની વાર્તા અને નામ સામે સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવક સાથેના સંબંધોમાં દર્શાવીને ‘લવ જેહાદ’ જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ ફિલ્મનો હેતુ યાદવ સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન-દીકરીઓના ગૌરવ પર પ્રશ્નચિહ્ન ઉભો કરવાનો છે.
સદીઓથી કૃષિ અને દેશસેવા સાથે જોડાયેલા આ ગૌરવશાળી સમુદાયના ઈતિહાસને ખોટી રીતે રજૂ કરીને અપમાન કરવામાં આવ્યું હોવાનો રોષ જોવા મળી રહ્યો છે.ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે અને સેન્સર બોર્ડ ફિલ્મની ફરી તપાસ કરે અને તમામ વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવે તથા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




