– જીતપરા ગામે જાનમાં ગયેલ રાયસીંગપુરાના યુવકને ડભાલ ગામના પિતા પુત્રએ માર માર્યો
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીતપરા ગામે લગ્નની જાનમાં ગયેલ રાયસીંગપુરા ગામના યુવકને ડભાલ ગામના પિતા પુત્રએ ઝઘડો કરી માર મારતા બન્ને વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઉમલ્લા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ તા.૨૪ મીના રોજ રાયસીંગપુરા ગામે રહેતો ગણેશ બચુભાઈ વસાવા નામનો યુવક ડભાલ ગામના તેના મિત્રના લગ્ન હોઈ જીતપરા ગામે જાનમાં ગયો હતો.ત્યારબાદ સાંજના સાત વાગ્યાના અરસામાં જીતપરા ગામે નિશાળ નજીક લગ્નના વરઘોડામાં બેન્ડ વાગતી હતી તે સમયે ત્યાં ઉભેલા ડભાલ ગામના કાલાભાઇ ભોગીલાલ વસાવા તથા તેમનો દિકરો (જેનું નામ જાણવા મળેલ નથી) તે બન્ને કોઈ સાથે બોલાચાલી કરતા હતા.આ જોઈને ગણેશભાઈએ કાલાભાઈના ખભે હાથ મુકીને શું થયું,એમ પુછતા કાલાભાઈના છોકરાએ ગણેશ સાથે ઝઘડો કર્યો હતો.આ ઝઘડા દરમિયાન કાલાભાઇએ ગણેશને ગાલ પર બે લાફા મારી દીધા હતા.તેમજ કાલાભાઈના છોકરાએ ઉશ્કેરાઈ જઈને છરી કાઢીને ગણેશને કપાળ તેમજ માથાના ભાગે મારી દેતા ગણેશ લોહીલુહાણ થયો હતો.ત્યાર બાદ ઈજાગ્રસ્ત ગણેશ મોટર સાયકલ લઈને ઘરે પરત આવ્યો હતો અને તેના બહેન બનેવીને જાણ કરતા તે લોકો ત્યાં આવીને ગણેશને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઈ ગયા હતા.ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસે ગણેશ વસાવા રહે.ગામ રાયસીંગપુરાનાની ફરિયાદ મુજબ ડભાલ ગામના કાલાભાઈ ભોગીલાલ વસાવા અને તેના છોકરા વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




