– ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓએ લોકોને વિવિધ વિષયો ઉપર જ્ઞાન આપતા ૬૨ પ્રોજેક્ટ રજૂ કર્યા
ભરૂચ,
આમોદ નગરમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.શાળા પરિવાર તરફથી શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પટેલ,સી.આર.સી.તોસિફ પટેલ આમોદ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનો દ્વારા રીબીન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક અભિગમ સાથે બનાવેલી આંકડાકીય,પર્યાવરણ,કૃષિ અવકાશ, હવામાન, માનવ શરીર રચના,અર્થતંત્ર,પ્લેન દુર્ઘટનામાં બચાવ જેવા પ્રોજેક્ટો મહેમાનો આગળ આત્મવિશ્વાસ સાથે રજૂ કરી પોતાની કૃતિની વિશિષ્ટતા બતાવી હતી.વિજ્ઞાન મેળા અંગે શાળાના આચાર્ય વૈશાલી મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી, વિજ્ઞાન અને શિક્ષકના સમન્વયથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા શાળાના ૧ થી ૯ ના બાળકોએ વિજ્ઞાન,ગણિત,અંગ્રેજી વિષયોને આવરી લઈને કૃતિઓ બનાવી હતી.જેની માનવ જીવન તેમજ પર્યાવરણ ઉપર શું અસર થાય છે તે દર્શાવવામાં આવ્યું હતું.શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં રહેલી વિચારશીલ શક્તિને બહાર લાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ તેમણે શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.





