ઝઘડિયાના રાજપારડીની હોટલના સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી ન કરતા એસઓજી દ્વારા પોલીસ ફરિયાદ

SHARE:

– અન્ય હોટલો અને ગેસ્ટ હાઉસોમાં પણ ગોબાચારી ચાલતી હોવાની લોકબુમો

(જયશીલ પટેલ,ઝઘડિયા)

હોટલ ગેસ્ટહાઉસના સંચાલકોએ તેમની હોટલોમાં આવતા ઉતારૂઓની પથિક સોફ્ટવેરમાં નોંધણી કરવાની હોય છે.હાલ કેવડિયા ખાતે સરદાર પ્રતિમા સ્થળે આવવાવાળા સહેલાણીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે,તેથી સરદાર પ્રતિમા રોડ પર બિલાડીના ટોપની જેમ હોટલો ગેસ્ટહાઉસો ફુટી નીકળ્યા છે.હોટલોમાં રોકાતા ઉતારૂઓ ઘણીવાર ગુનાહિત વસ્તુઓ લઈને પણ આવતા હોય છે.ભરૂચ એસઓજી પોલીસે ગતરોજ તા.૨૮ મીના રોજ રાજપારડીના રાજપીપલા રોડ પર આવેલ હોટલ આશિર્વાદમાં તપાસ કરતા રિસેપ્શન કાઉન્ટર પર હાજર માણસ પુષ્કરરામ રાજુરામ સોની હાલ રહે.રાજપારડી હોટલ આશિર્વાદ મુળ રહે.ઉતરાખંડનો પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની નોંધ કરતો હોવાનું જણાવ્યું હતું.એસઓજીની તપાસ દરમિયાન હોટલના રજિસ્ટરમાં તા.૧-૧-૨૬ થી તા.૨૭-૨-૨૬ સુધી કુલ ૫૨ ગ્રાહકોની નોંધ કરેલ હતી પરંતું પથિક સોફ્ટવેર ચેક કરતા ૫ ગ્રાહકોની એન્ટ્રી કરેલ હતી. પુષ્કરરામ સોનીએ પથિક સોફ્ટવેરનો આઈડી પાસવર્ડ મેળવેલ હોવા છતાં ઉતારૂઓની એન્ટ્રી સોફ્ટવેરમાં અપલોડ નહિ કરીને જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાયું હતું. એસઓજી ભરૂચ દ્વારા આશિર્વાદ હોટલના પુષ્કરરામ રાજુરામ સોની વિરૂધ્ધ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.સરદાર પ્રતિમા રોડ પર આવેલી અન્ય હોટલો અને ગેસ્ટહાઉસોમાં પણ તપાસ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!