– આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દશ કિલો મીટર દૂર ધુમાડા નજરે પડી રહ્યા હતા
– ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાતા : અંકલેશ્વર,પાનોલી અને સુરત જીલ્લાના દશથી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે
– આગના પગલે પોલીસ અને વહીવટી તંત્ર પણ દોડી આવ્યું : સદ્દનસીબે કોઈ જાનહાની નહીં પરંતુ મોટુ નુકશાન : આગની ચપેટમાં આવેલ વાહનો પણ બળીને ખાખ
ભરૂચ,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી ઔદ્યોગિક વસાહતમાં રવિવારે સવારે એક ભીષણ આગની ઘટના બની હતી.પાનોલી GIDCમાં આવેલી ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા.આગને પગલે તંત્ર દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો.
આગની જાણ થતા જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10થી વધુ ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ સાડા ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ ઓલવવા માટે પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
જોકે આગને કારણે કંપનીનો પ્લાન્ટ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા જેનાથી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.આસપાસની અન્ય કંપનીઓને પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવી હતી જેથી આગ વધુ ન પ્રસરે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ મોટુ નુકશાન થવા પામ્યું હતું જોકે સદ્દનસીબે કોઈ જાનહાની સર્જાય ન હતી.




