ભરૂચ,
ભરૂચ SOGએ અંકલેશ્વરના મંગલદીપ સોસાયટીમાંથી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી ૩ કિલો ૪૪૬ ગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૧.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની “નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશ અંતર્ગત તમામ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ભરૂચ SOG સક્રિય બની હતી.
SOG પી.આઈ. એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતી સોનીકુમારી મુકેશ મંડલ પોતાના ઘરે ગાંજો સંતાડી રાખે છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે ૩.૪૪૬ કિલોગ્રામ ગાંજો, જેની કિંમત ૧.૭૨ લાખ આંકવામાં આવી છે, તે ઉપરાંત એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ, કુલ ૧.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસે સોનીકુમારી મંડલની ધરપકડ કરી હતી. આ કેસમાં ઓડિશાના એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે.




