શ્રી ખોડલધામ મંદિરે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા સંસ્થાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારી કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો

SHARE:

– સરકારના વિવિધ વિભાગમાં ફરજ બજાવી રહેલા 1 હજારથી વધુ ક્લાસ 1,2,3,4 અધિકારી/કર્મચારીઓની ઉપસ્થિતિ

– કર્મચારી માંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતાં રહો તેવી મા ખોડલને પ્રાર્થના : નરેશભાઈ પટેલ

સૌજન્ય,

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને તાજેતરમાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારી કર્મચારીઓના ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન તારીખ 8 માર્ચ 2026 ને રવિવારના રોજ કાગવડ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થામાંથી તાલીમ મેળવી સરકારી નોકરીમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે 1 હજારથી વધુ ક્લાસ 1,2,3,4ના અધિકારી કર્મચારીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને પોલીસ કોન્સ્ટેબલ, PSI, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હાઈકોર્ટ આસિસ્ટન્ટ, બેલીફ, આસિસ્ટન્ટ એન્જિનિયર, ફોરેસ્ટ ગાર્ડ, શિક્ષણ વિભાગ, કન્ડક્ટર, તલાટી કમ મંત્રી, વિદ્યુત વિભાગ, કોર્પોરેશન ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, STI, DYSO અને પોસ્ટ વિભાગ સહિતની સરકારી નોકરીઓમાં સફળતા મેળવનાર 160 જેટલા યુવક-યુવતીઓને શિલ્ડ આપીને નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત લેઉવા પટેલ સમાજના આશરે 50 જેટલા ક્લાસ-1 અધિકારીઓને શિલ્ડ આપીને નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સન્માનિત કરાયા હતા.ત્યાર બાદ 130થી વધુ ક્લાસ-2 અધિકારીઓ, 400થી વધુ ક્લાસ-3 કર્મચારીશ્રીઓનું પણ શિલ્ડ આપીને સન્માન કરાયું હતું.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીંયા પધારેલા અને ખૂબ જ સફળતાપૂર્વક સરકારના વિવિધ વિભાગોમાં પ્રસ્થાપિત થયેલા અધિકારી કર્મચારીઓનું માં ખોડલના સાનિધ્યમાં સન્માન થયું ત્યારે આજે ખૂબ જ ગૌરવ થાય તેવો દિવસ છે. આપ સૌ સમાજ સાથે લાગણી અને ભાવનાથી જોડાયેલા છો તે આનંદની વાત છે.ઉપસ્થિત સરકારી કર્મચારીઓને સંબોધતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારીમાંથી કર્મયોગી કેમ બનવું તે ખૂબ મહત્વની બાબત છે.આપ સૌ કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતાં રહો તેવી માં ખોડલને પ્રાર્થના કરું છું.શ્રી ખોડલધામ ટ્રસ્ટે શરૂઆતથી સમાજને નવીન આપવાનું કાર્ય કર્યું છે.ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતના અનેક વૈશ્વિક રેકોર્ડ ખોડલધામે પ્રસ્થાપિત કર્યા છે.આજે મહિલા દિવસ પણ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ પણ સન્માનિત થઈ છે ત્યારે સૌ મહિલાઓને પણ શુભેચ્છા પાઠવું છું.

શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે જણાવ્યું હતું કે, આજે વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા આપણા સમાજના અધિકારીઓ‌ કર્મચારીઓના સન્માન થયા છે ત્યારે કહેતા આનંદ થાય છે કે, આજે એકપણ એવું ક્ષેત્ર નથી જ્યાં આપણા સમાજનો વ્યક્તિ પ્રસ્થાપિત થયેલો ન હોય. નરેશભાઈ પટેલ હંમેશા ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે અને તેઓ કહેતા હોય છે કે ભક્તિ દ્વારા એકતાની શક્તિ. ત્યારે કહેતા આનંદ થાય છે કે, આજે આપણો સમાજ એકત્રિત થયો છે તેનું કારણ ભક્તિ છે. આપ સૌ સરકારી અધિકારી કર્મચારીઓ દરેક નાગરિકને ઉપયોગી બની સેવા કરતાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ માંથી તાલીમ મેળવીને સફળ થનાર યુવતીઓએ ભગવાન રામની પ્રતિમા આપીને નરેશભાઈ પટેલનું સન્માન કર્યું હતું. જ્યારે સન્માન સમારોહની આયોજક ટીમે આકર્ષક પેઈન્ટિંગ નરેશભાઈ પટેલને અર્પણ કરી તેઓનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે ધોરણ 6 થી જ બાળકો યુપીએસસી-જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ખાસ કોર્ષનું લોન્ચિંગ પણ કરાયું હતું. આ પ્રસંગે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટમાંથી તાલીમ મેળવાનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી અને તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન મેળવનાર ડો. ભાવિન કથિરીયાએ પોતાનો પ્રથમ પગાર માતૃ સંસ્થા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટને અર્પણ કર્યો હતો.

કાર્યક્રમની આભારવિધિ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના મંત્રી જી.એલ.રામાણી દ્વારા કરવામાં આવી હતી. સમૂહ રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!