ભરૂચ,
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.જાહેર થયેલી યાદી મુજબ જિલ્લામાં કુલ 48 હોદ્દેદારોને વિવિધ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે.પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ સાથે આ નિમણૂકો કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
નવી ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની વરણી કરવામાં આવી છે.ઉપરાંત ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી જિલ્લાભરમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ ગતિ મળી શકે.મહામંત્રી તરીકે ભરૂચ શહેર સંગઠનના જીગ્નેશ મિસ્ત્રી,અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના પરેશ પટેલ અને વાગરા વિસ્તારના નરેન્દ્રસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે.તો યુવા મોરચાના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ, મહિલા મોરચાના પ્રમુખ તરીકે પલ્લવીકા શાહ,અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે રાજીવ પરમાર,અનુસૂચિત જન જાતિના પ્રમુખ તરીકે કિરણ વસાવા,કિશાન મોરચાના પ્રમુખ તરીકે રાકેશ પટેલ,બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પરેશ લાડ,લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ગુલામ પટેલ,મીડિયા વિભાગના વિક્કી જોશી,આઇટી વિભાગમાં તરંગ પટેલ અને સોશ્યલ મીડિયામાં મયુર ટેલરની નિમણુંક કરવામાં આવી હતી.
નવા હોદ્દેદારોને જિલ્લામાં પક્ષની કામગીરી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ નવનિયુક્ત હોદ્દેદારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.સાથે જ સૌના કુશળ નેતૃત્વ, સંગઠનશક્તિ અને સમર્પિત કાર્ય દ્વારા પક્ષ વધુ મજબૂત બને તેમજ સમાજ અને રાષ્ટ્ર સેવાના કાર્યો સતત ગતિમાન રહે એવી હાર્દિક અભ્યર્થના વ્યક્ત કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ને બનાવવામાં આવ્યા ત્યાર થી જ કેટલાક નેતાઓ દ્વારા તેને હટાવવાના પ્રયાસો લાગ્યા હતા આંઉં જૂથવાદ ચલાવી રહ્યા હતા તેમ છતાં તેઓને પ્રમુખ તરીકે હટાવી ન શકતા તેઓએ એક વર્ષ પૂર્ણ કર્યું હતું અને એક વર્ષ બાદ આંતરિક વાદ વિવાદ વચ્ચે તેઓએ પોતાની ટીમ જાહેર કરી છે. ત્યારે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે નવી ટીમ ભાજપ માટે ફાયદાકારક નીવડે છે કે પછી જૂથવાદમાં પાર્ટીને નુકશાન થશે તે આવનાર સમય બતાવશે.




