– અલ હૈદરી મોટર લોન્ચ બોટના બે કામદારોએ દોરડું બાંધી બન્ને ડોલ્ફિનને પરત દરિયામાં છોડી
ભરૂચ,
દહેજ દરિયાકિનારે આજે લો ટાઈડ દરમ્યાન બે ડોલ્ફિન એક નાની ખાડીમાં ફસાઈ ગઈ હતી.સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ દરિયાનું પાણી ઓછું થઈ જતાં બંને ડોલ્ફિન ઊંડા પાણીમાં પાછી ફરી શકી ન હતી.
આ ઘટનાની જાણ થતાં જ દહેજ જેટ્ટી પર કાર્યરત મોટર લોન્ચ ‘અલ હૈદરી’ના કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કર્મચારીઓએ ફસાયેલી બંને ડોલ્ફિનને દોરડાની મદદથી સુરક્ષિત રીતે પકડીને ફરીથી દરિયાના ઊંડા પાણીમાં છોડી દીધી હતી.
આ મોટર લોન્ચ બિરલા કોપર જેટ્ટી નજીક દહેજના દરિયા કિનારે કામ કરી રહી હતી.ડોલ્ફિનને સુરક્ષિત રીતે દરિયામાં મુક્ત કરવામાં આવતા ત્યાં હાજર લોકોમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી.
બોટના કર્મચારી શબ્બીર સોઢાએ રોઝા હોવા છતાં, ભારે મુશ્કેલીઓનો સામનો કરીને દરિયા કિનારાના કાદવમાં પહોંચી બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની આ કામગીરી પ્રશંસનીય રહી હતી.
દહેજ વિસ્તારમાં દરિયા કિનારે કાર્યરત લોકો અને બોટના કર્મચારીઓ દરિયાઈ પર્યાવરણ અને જળચર જીવોના સંરક્ષણ પ્રત્યે સજાગ રહે છે.તેઓ જરૂર પડ્યે તાત્કાલિક અને નિસ્વાર્થ સેવા પૂરી પાડે છે.




