– સ્થાનિક પોલીસ ધરપકડ ન કરે તે માટે આરોપી દ્વારા અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવ્યા હતા જે રદ થયા હતા બાદમાં હાઈ
કોર્ટમાં આગોતરા જામીન ની દાદ માંગી
– ઘટનાના દોઢ માસ બાદ પણ સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ નહિ કરીને સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીનની તક આપી હોવાની ચર્ચા !?
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા માંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરનાર ગોવાલી ગામના રેત માફિયા દેવાંગ પાટણવાડીયા દ્વારા તેની આ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિનો વિરોધ કરનાર પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો.પત્રકાર પર થયેલ હુમલા સમયે સ્થળ ઉપર કેટલાક જવાબદાર અધિકારીઓ પણ હાજર હતા છતાં અધિકારીઓની હાજરીમાં એક પત્રકાર જેવી જાહેર જીવનની વ્યક્તિ પર હુમલો કરવાની હિંમત ધરાવતો રેતી માફિયા સાચેજ બેફામ ગણાય ! ત્યાર બાદ આ હુમલાનો ભોગ બનેલ પત્રકારે ઝઘડિયા પોલીસ મથકમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી. હુમલાની આ ઘટનાને આ લખાય છે.ત્યારે ૪૫ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ ઘટનાનો આરોપી હજુ પોલીસ પકડથી દુર રહેતા સ્થાનિક પોલીસની કામગીરી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે. પોલીસ સાચેજ આરોપી સુધી હજુ પહોંચી શકી નથી કે પછી આરોપી પ્રત્યે કુણું વલણ અખત્યાર કરી રહી છે એ બાબતે તાલુકામાં આશ્ચર્યજનક સવાલો ઉભા થયા છે. ઘટનાને દોઢ માસ જેટલો સમય વીતવા છતાં હજુ સ્થાનિક પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી તે વાત પણ આશ્ચર્ય જન્માવી રહી છે અને પોલીસ ઘટનાના દોઢ માસ વીતવા બાદ પણ આરોપીની ધરપકડ નહિ કરીને તેને કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવાની તક તો નથી આપી રહીને? એવા પણ સવાલો તાલુકામાં ઉઠી રહ્યા છે.
મળતી વિગતો મુજબ આ ઘટનાના આરોપી દેવાંગ પાટણવાડીયાએ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા ગત તા.૪ થીના રોજ અરજી કરી છે,જેની તા.૬ અને ૭ અને ૧૬ એમ ૩ મુદત પડ્યા બાદ તા.૨૧ મીના રોજ જામીન અરજી બાબતે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર સેશન કોર્ટમાં જામીન રદ થયા બાદ રેતી માફિયા દેવાંગ પાટણવાડીયા દ્વારા તા.૫.૩.૨૬ ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આજરોજ તારીખ ૯ ની મુદત પડી હતી, ઉલ્લેખનીય છે કે સ્થળ ઉપર કેટલાક જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિ હોવા છતાં આરોપી દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો તે બાબત જ આરોપીની ગુનાહિત માનસિકતા છતી કરે છે,અને તેને લઇને આમજનતામાં ભય છવાયો છે.અત્રે નોંધનીય છેકે રાણીપુરા ગામે પત્રકાર પર હુમલો કરવાની ઘટના બન્યા બાદ જિલ્લાના પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક, ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદન આપીને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપી દેવાંગ પાટણવાડીયા ની પાસા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.ત્યાર બાદ ગત તા.૨૩.૨.૨૬ ના રોજ અરજદાર જયશીલ પટેલ દ્વારા પોલીસ મહાનિર્દેશક વડોદરા રેન્જ આઈજી વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી આરોપીની ધરપકડ થાય અને તેની પાસા હેઠળ અટકાયત થાય તેવી માંગ કરી હતી.પરંતુ તે રજૂઆતને પણ આજે પંદર દિવસ જેટલા સમય થયા છતાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, ઉલ્લેખનીય છે કે આરોપી પર અગાઉ પણ ભુસ્તર વિભાગ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, તેમજ વર્ષ ૨૦૧૩ દરમિયાન આરોપી દ્વારા એક સગીરા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ નામદાર કોર્ટ દ્વારા તેને સજા પણ કરવામાં આવી હતી.ત્યારે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. પત્રકાર પર થયેલ હુમલાની ઘટનાને ઝઘડિયાના વકીલોએ પણ વખોડી કાઢીને હુમલાખોર પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.આરોપીના ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં લઈને અન્ય ગુનેગારો પણ તેનાથી ધડો લે તેમાટે આરોપીની પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.આ લખાય છે ત્યારે દેવાંગ પાટણવાડીયા દ્વારા આગોતરા જમીન માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે તેની સામે અરજદાર જયશીલ પટેલ દ્વારા પણ હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કરી તેની આગોતરા જામીન મંજુર નહીં થાય તે માટે દાદ માંગવાની કાર્યવાહી હાથધરી છે!
– આરોપીના ઓ પત્રકાર તેમજ રાણીપુરાના અન્ય ખેડૂતો પર ફરીથી હુમલો કરે તેવી ફરિયાદીને દહેશત
સ્થળ ઉપર કેટલાક જવાબદાર અધિકારીઓની હાજરી છતાં આરોપી દેવાંગ પાટણવાડીયા પત્રકાર પર હુમલો કરે એ બાબત પોલીસ તંત્રને સામાન્ય લાગે છે? એવો સવાલ આ ઘટનાના ફરિયાદી જયશીલ પટેલે કર્યો છે. ભુતકાળમાં કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી દેવાંગ પાટણવાડીયા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા છતાં ઘટનાના દોઢ માસ બાદ પણ તે પોલીસ પકડથી દુર રહેતા એને લઈને સમગ્ર જિલ્લામાં આશ્ચર્યસહ સવાલો ઉભા થયા છે.અત્યાર સુધી છુટો ફરી રહેલો આરોપી ફરીથી હુમલો નહિ કરે એની ખાતરી કોણ આપશે?આરોપી પોતાના પર તેમજ રાણીપુરા ગામના અન્ય ખેડૂતો પર ફરીથી હુમલો કરે એવો ફરિયાદીને ડર છે,ત્યારે ગુનાહિત ઈતિહાસ અને માનસિકતા ધરાવતા આરોપી દેવાંગ પાટણવાડીયાની પાસા એક્ટ હેઠળ ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી ગણાય.
– ગુમ થયેલ યાંત્રિક નાવડી હજી કબજે લેવાઈ નથી!!
રાણીપુરા ગામે ગેરકાયદેસર રેતીખનન બાબતે ગાંધીનગર ભૂસ્તર વિભાગમાં જાણ કર્યા બાદ ભરૂચ ભૂસ્તર વિભાગ એ યાંત્રિક નાવડી તથા હીટાચી મશીન જપ્ત કર્યું હતું, જપ્તીના બે ત્રણ દિવસમાં જ યાંત્રિક નાવડી ત્યાંથી કોઈ ચોરી કરી ગયું અથવા ઉઠાવી ગયું હતું જે બાબતે ગત ૧૮ મીના રોજ ફરિયાદી દ્વારા જિલ્લા ભૂસ્તર વિભાગને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી ગુમ થયેલ અથવા ઉઠાવી ગયેલ યાંત્રિક નાવડી કબ્જેલેવાય હોય તેમ લાગતું નથી!!




