– ભરૂચ જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ૧૦.૯૧ કરોડના ખર્ચે નિર્મિત અને ૩.૮૪ એકરમાં પથરાયેલું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લાકક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ તૈયાર
– નૂતન સ્પોર્ટ્સ સંકુલ આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે નવા ચેમ્પિયન્સ તૈયાર કરવાની નર્સરી બનશે
– આધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવા અને તંદુરસ્ત જીવનશૈલીને વિકસાવવામાં પ્રેરણારૂપ બનશે
ભરૂચ,
રાજ્યના મુખ્યમંત્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિઝનને પગલે આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ માત્ર સુવિધા નથી, પરંતુ સિટી પ્લાનિંગનો એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે.ભારત જ્યારે ‘મિશન ૨૦૩૬ ઓલિમ્પિક્સ’ તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે અને ગુજરાત ‘કોમનવેલ્થ ગેમ્સ’ના યજમાનપદ માટે સજ્જ થઈ રહ્યું છે,ત્યારે ભરૂચ જિલ્લાએ પણ રમતગમતના ક્ષેત્રે એક નવી ઊંચાઈ સર કરી છે.
ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકારની આગેવાનીમાં લોકકલ્યાણ અને જનસુખાકારીના વિકાસકાર્યો સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યા છે તેની ફળશ્રુતિ રૂપે ભરૂચમાં રાષ્ટ્રીય માપદંડો ધરાવતું જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ હવે લોકાર્પણ માટે તૈયાર છે.આગામી સંભવત તારીખ ૧૪ મી માર્ચ ૨૦૨૬ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થનારું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લામાં કલેકટર બંગલોની પાછળ અંદાજીત ૧૦.૯૧ કરોડના ખર્ચે ૧૫,૫૫૯ ચો.મી. (૩.૮૪ એકર) જમીન પર બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખો-ખો, ટેબલ ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન, યોગાસન, કરાટે, જુડો,કબડ્ડી અને મલખમ જેવી રમતોનો સમાવેશ કરેલ છે. સાથે જ ૨૦૦મી એથલેટીક્સ ટ્રેક તથા ફૂટબોલ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ અને મલ્ટીપર્પસ હોલ અને જીમ પણ ઉપલબ્ધ છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઈન્ડોર બેડમિન્ટન કોર્ટ, મિની કોન્ફરન્સ રૂમ,એડમિન વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ સુવિધા, અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તથા સિક્યુરિટી કેબીન,લોન એરિયા, પાર્કિંગ, એડમિન ઓફિસ, વોલીબોલ કોટ, ખો- ખોનું મેદાન, સ્ટોર રૂમ તથા ફાયર સેફ્ટી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.જેના કારણે યુવાનોમાં રમતગમત પ્રત્યે પ્રોત્સાહન મળશે અને તંદુરસ્ત જીવનશૈલી વિકસશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રમતગમતની સુવિધાઓની સાથે અહીં વહીવટી પારદર્શિતા અને સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સંકુલમાં ઈન્ડોર બેડમિન્ટન કોર્ટ, મિની કોન્ફરન્સ રૂમ, એડમિન વિભાગ, વિશાળ પાર્કિંગ સુવિધા, અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક, અને ફાયર સેફ્ટી જેવી પાયાની તમામ સવલતો ઉપલબ્ધ છે.આ ઉપરાંત, લોન એરિયા અને આકર્ષક કમ્પાઉન્ડ વોલ સાથેનું સુંદર વાતાવરણ રમતવીરોને સ્ફૂર્તિદાયક અનુભવ પૂરો પાડશેગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનોમાં રહેલી રમતગમતની શક્તિને ઓળખવા અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા માટે વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. જેનો સીધો લાભ હવે ભરૂચના રમતવીરોને ઉપલબ્ધ થનાર છે.
ભરૂચમાં આધુનિક સ્પોર્ટ્સ સંકુલની સુવિધા સાથે ખેલ મહાકુંભ, DLSS (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ), ઈન-સ્કૂલ યોજના, સેન્ટર ઓફ એક્સલન્સ (COE) જેવી યોજનાઓનું સંકલન થવાથી શાળા સ્તરથી જ પ્રતિભાઓને શોધી તેમને કોચિંગ અને પ્રોત્સાહન મળશે. પરિણામે, જિલ્લાના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધશે અને તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ પામશે.
આમ, રાજ્ય સરકારની યોજનાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે હવે સ્થાનિક પ્રતિભાઓ પણ સક્ષમ બનતા ‘કોમનવેલ્થ ગેમ્સ’ અને ઓલિમ્પિકમાં જવાનું સપનું સાકાર થશે. સાથોસાથ માળખાકીય સુવિધાઓ મળવાને કારણે જે ભવિષ્યની મોટી ઇવેન્ટ્સ માટેની તૈયારી માટે ભરૂચ હવે પાયાનું કામ કરશે. ત્યારે આપણા ભરૂચના યુવાનોએ પણ જિલ્લા અને ગુજરાત માટે મેડલ જીતી લાવવા સંકલ્પબદ્ધ થવું પડશે.
આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવામાં અને સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવા માટે પ્રેરણા રૂપ બનશે.ભરૂચનું આ નૂતન સ્પોર્ટ્સ સંકુલ આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે નવા ચેમ્પિયન્સ તૈયાર કરવાની નર્સરી બનશે, જે ખેલો ગુજરાતને ફિટ ઈન્ડિયા અભિયાનને નવી ગતિ આપશે. સાથોસાથ સ્પોર્ટ્સ કલ્ચરના કારણે આવનારી પેઢીમાં અનેક દુષણોને સમાપ્ત કરી શકાશે જે ભરૂચ જિલ્લા માટે અનોખી ભેટ બની રહેશે.




