– મહાનુભાવો દ્વારા કપાસની આધુનિક ખેતી પદ્ધતિ (સાંકડા ગાળે વાવેતર) અંગેના માર્ગદર્શિકા ફોલ્ડરનું વિમોચન કરાયું
ભરૂચ,
કપાસ પકવતા ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે હેતુથી, નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર (મકતમપુર, ભરૂચ) દ્વારા ગ્રામીણ કૃષિ મૌસમ સેવા અંતર્ગત હાંસોટની શ્રી યશવંતરાય જોષી કો-ઓપરેટિવ સોસાયટી ખાતે એક ભવ્ય કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દક્ષિણ ગુજરાતની કૃષિ સંસ્કૃતિ અને ધન-ધાન્યનું મહત્વ દર્શાવતા કૃષિ યુનિવર્સિટી ગીત દ્વારા કરવામાં આવી હતી.ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ.કે.વી.વાડોદરીયાએ સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ગ્રામીણ કૃષિ મૌસમ સેવા પ્રોજેક્ટ તેમજ કપાસના પાકમાં થયેલા આધુનિક સંશોધનો વિશે વિગતવાર માહિતી આપી હતી.આ તકે મહાનુભાવોના હસ્તે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ (સાંકડા ગાળે વાવેતર) વિષયક માહિતીસભર ફોલ્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ આચાર્ય ડૉ.ડી.ડી.પટેલે જણાવ્યું હતું કે ગુજરાત આજે વિવિધ પાકોની ઉત્પાદકતામાં દેશમાં મોખરે છે.ખેડૂતોએ પોતાની આવક વધારવા માટે કપાસમાં હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ (સાંકડા ગાળે વાવેતર) અપનાવવી જોઈએ.સાથે જ તેમણે જળ, જમીન અને જંગલના જતનની હિમાયત કરી હતી.મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ. એમ. સી. પટેલે પ્રગતિશીલ ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા અને ટેકનિકલ માહિતી માટે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે સતત સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો હતો.
પરિસંવાદમાં ઉપસ્થિત અન્ય કૃષિ વૈજ્ઞાનિકોએ કપાસ ઉપરાંત શેરડી, તુવેર અને અન્ય પાકોની આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં હાંસોટ સોસાયટીના ચેરમેન મગનભાઈ પટેલ, કૃષિ યુનિવર્સિટીના ડૉ.જે.જે.પટેલ, ડૉ.ડી.કે.પટેલ,ડૉ.પી.એસ.પટેલ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.અંકિત ગઢીયાએ કર્યું હતું અને અંતમાં ડૉ.ડી.આર.પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.




