આમોદ નગરપાલિકામાં લોકશાહીની હત્યા : સામાન્ય સભા વિના ટર્મ પૂર્ણ કરીને પાલિકાના શાસકોએ નગરપાલિકા અધિનિયમોના ધજાગરા કર્યા

SHARE:

– સત્તાના અહંકારથી રઘવાયા બનેલા ભાજપના શાસકોનો તંત્રને ખુલ્લો પડકાર 

– નગરપાલિકાના અધિનિયમોના ખુલ્લા ભંગ બાબતે તંત્ર મૌન રહે તો ખતરનાક પરંપરા ઉભી થવાની સંભાવના

ભરૂચ,

આમોદ નગરપાલિકાની વર્તમાન ટર્મ પૂર્ણ થવા છતાં સામાન્ય સભા નહીં થતા નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો. તેમજ લોકશાહી મૂલ્યોનું પણ હનન થયું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ ભાજપ શાસિત આમોદ નગરપાલિકાના શાસકોએ નિયમ મુજબ સામાન્ય સભા બોલાવ્યા વિના જ પોતાની ટર્મ પૂર્ણ કરી દીધી છે.નગરપાલિકા અધિનિયમોમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં શાસકો દ્વારા તેની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આમોદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલે સામાન્ય સભા બોલાવી હતી.પરંતુ પ્રમુખની નાદુરસ્ત તબિયતને કારણે સભા મુલત્વી રખાઈ હતી.ત્યાર બાદ પ્રમુખે સામાન્ય સભા કરવાની બાહેંધરી આપી હતી.જે હજુ સુધી બોલાવી નથી અને ટર્મ પૂરી થઈ ગઈ હતી.જેથી આમોદ નગરપાલિકાની લોકશાહી વ્યવસ્થા સામે સીધો પડકાર ઊભો થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અધિનિયમ મુજબ વર્ષમાં ચાર સામાન્ય સભા બોલાવવાની હોય છે.જેમાં ત્રિમાસિક હિસાબો મંજૂર કરાવવાના હોય છે. પંરતુ આમોદ પાલિકામાં ત્રિમાસિક હિસાબો મંજૂર કર્યા વગર જ આડેધડ ખર્ચ કર્યા હોવાની ચર્ચાઓ છે.નગરપાલિકાની સામાન્ય સભામાં નાગરિકોના હિતમાં નિર્ણયો લેવાય તે માટેનું સૌથી મહત્વપૂર્ણ મંચ છે.નગરના વિકાસ કામો, બજેટ, નાગરિક સુવિધાઓ અને જનહિતના પ્રશ્નો અંગે ચર્ચા અને નિર્ણય લેવા માટે સામાન્ય સભા અનિવાર્ય હોય છે.છતાં આમોદ નગરપાલિકાના ભાજપ શાસકોએ જાણે કાયદાને ખિસ્સામાં રાખ્યો હોય તે રીતે સામાન્ય સભા બોલાવવાનું પણ જરૂરી માન્યું નથી.સામાન્ય સભા નહિ બોલાવતા રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે.ત્યારે આમોદ નગરપાલિકાના શાસકોએ સામાન્ય સભા ન બોલાવીને નાગરિકોના હકો અને લોકશાહી પરંપરાઓની અવગણના કરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.જો નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓનો આ રીતે ભંગ કરવામાં આવે અને જવાબદાર તંત્ર મૌન રહે તો તે ખતરનાક પરંપરા ઊભી કરી થઈ શકે છે.જેથી લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખતા લોકોમાં માંગ ઉઠવા પામી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવે અને જવાબદાર શાસકો સામે કાયદેસર પગલાં લેવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!