– વન વિભાગને જાણ થતા ગ્રામજનો સાથે બેઠક યોજી નિરીક્ષણ બાદ સાવચેતીના બોર્ડ લગાવશે
ભરૂચ,
ભરૂચના ઝનોર નજીક નર્મદા નદીના કિનારે એક સાથે બે મગર જોવા મળ્યા છે,જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.વન વિભાગને જાણ કરવામાં આવતા સ્થળ નિરીક્ષણ કરી સાવચેતીના બોર્ડ લગાવશે.
મળતી માહિતી મુજબ નદી કિનારે ફરવા ગયેલા કેટલાક નાવિક યુવકોએ આ મગરોને નદીના કિનારે શાંતિથી બેઠેલા જોયા હતા.તેમણે આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશ્યલ મીડિયા પર મૂકતા જ વિડીયો ઝડપથી વાઈરલ થયો હતો.વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને મગર નદીના કિનારે આરામની સ્થિતિમાં છે. બોટના અવાજથી તેઓ નદીમાં ઉતરી જાય છે.આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને આશ્ચર્ય ફેલાયું છે. ખાસ કરીને નદીમાં રોજિંદી માછીમારી કરતા માછીમારો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. મગરોની હાજરીને કારણે માછીમારો નદીમાં ઉતરતા પહેલા સાવચેતી રાખી રહ્યા છે, જ્યારે કેટલાક માછીમારોએ હાલ પૂરતું નદીમાં જવાનું ટાળ્યું છે.
ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે મગરો કિનારા નજીક જોવા મળતા માનવી પર હુમલો કરવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરીને મગરોને સલામત રીતે દૂર ખસેડવા અથવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ બાબતે વન વિભાગના આરએફઓ મહાવીર ડાભીએ જણાવ્યું હતું કે ટીમને ઝનોર ખાતે મોકલી ગ્રામજનોને સાથે નદી કિનારે નિરીક્ષણ કરવામાં આવશે અને સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવશે.




