– બ્રિજ બનવાથી કરજણ અને ઝઘડિયા વિધાનસભા વિસ્તાર વચ્ચેનું અંતર ઘટશે
ભરૂચ,
ભરૂચ જિલ્લાના કરજણ તાલુકામાં મોટી કોરલ ગામ ખાતે આજે નર્મદા નદી પર ભાલોદ અને મોટી કોરલને જોડતા મહત્વકાંક્ષી બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંદાજિત રૂપિયા ૧૭૦ કરોડના માતબર ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા ભાજપના મહામંત્રી વિક્રમસિંહ રાજ, વડોદરા જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય અક્ષય પટેલ અને રીતેશ વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.તેમણે આ કામગીરી અત્યંત ઝડપથી અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.આ બ્રિજ કાર્યરત થવાથી રાજપારડી, ભાલોદ, વણાકપુર, રૂંધે, ટોઠીદરા, ઓર, પટાર, કૃષ્ણપુરી અને વઢવાણા સહિતના અનેક ગામોના હજારો નાગરિકોને સીધો લાભ મળશે.
વર્ષો જૂની આ માંગણી સંતોષાતા સ્થાનિક આગેવાનો અને પ્રજાજનોએ ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ બ્રિજ બનવાથી કરજણ અને ઝઘડિયા વિધાનસભા વિસ્તાર વચ્ચેનું અંતર ઘટશે અને આર્થિક તથા સામાજિક ગતિવિધિઓને વેગ મળશે.




