– જાહેર રજાના દિવસને બદલે આડે દિવસે પરિક્રમા કરવાની અપીલ : વેબસાઈટ પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવાયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા 19મી માર્ચથી શરૂ થઈ છે.જેમાં રવિવારની રજાનાં દિવસે જ 1 લાખથી વધુ શ્રદ્ધાળુંઑ ઉમટી આવતા અવ્યવસ્થા સર્જાઈ હતી.ખાસ કરીને બોટ ની સંખ્યા ઓછી પડતી હોઈ શ્રદ્ધાળુઓને કલાકો સુધી ગરમીમાં બોટની રાહ જોતા શેકાવ્યું પડ્યું હતું.ત્યારે પરિક્રમાવાસીઓની સુવિધાઓ વધારવા વ્યવસ્થાઓને લઈને જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધિકારીઓ-એજન્સીના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં કેટલાક મહત્વનાં કડક નિર્ણયો લેવાયા હતા.જેમાં જાહેર રજાના દિવસને બદલે આડે દિવસે પરિક્રમા કરવાની અપીલ કરી હતી.
કલેક્ટર મોદીએ જણાવ્યું કે પ્રથમ તો પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાર્થીઓને જવા દેવામાં આવશે.બે જગ્યાએ આ પદ્ધતિ અમલમાં આવશે. (1) તિલકવાડા ત્રણ રસ્તા પાસે અને (2) વાવડી રોડથી રામપુરા જવાના રોડ પર. ભક્તોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, પોતાને એક-બે કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો રાહ જોવા માટે વિનંતી છે.
વહીવટી તંત્રનો બીજો નિર્ણય કે જે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ “yatradhamportal.gujarat.gov.in” છે. આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ બે દિવસ પૂર્વે જે ઘટના ધ્યાને આવી તે બાદ આગામી તારીખ 25થી 30 માર્ચ સુધી આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન જેમણે કરાવ્યું હશે, તેમને જ પરિક્રમા અર્થે જવા દેવામાં આવશે.ત્યાર બાદ બીજા રજાના દિવસો એટલે કે, 2-3-4-11 અને 13 એપ્રિલના દિવસોમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે,જેથી આ પરિક્રમા શ્રદ્ધાળુઓ સારી રીતે કરી શકે.ત્રીજો મુદ્દો નદી પાર કરવા બોટમાં બેસતી વખતે શ્રદ્ધાળુઓએ ફરજિયાતપણે લાઈફ જેકેટ પહેરવાનું રહેશે.લાઈફ જેકેટ નહીં પહેરનાર શ્રદ્ધાળુઓ પાસેથી દંડની વસુલાત કરવામાં આવશે.




