ભરૂચ,
ઔદ્યોગિક વસાહત તરીકે જાણીતા વાગરા તાલુકામાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. જોલવા વિસ્તારમાં ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૨૨ વર્ષીય આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે.ગંભીર ઈજાઓને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મૃતક યુવાનની ઓળખ રાહુલ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને રોજગારી અર્થે જાગેશ્વર સ્થિત એક કંપનીમાં ફરજ બજાવતો હતો.રોજિંદા ક્રમ મુજબ ગત રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં રાહુલ પોતાની કંપનીની શિફ્ટ પૂરી કરીને બાઇક પર જોલવા તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન, જોલવા જીઓ પેટ્રોલ પંપ નજીક દહેજ-ભરૂચ મુખ્ય માર્ગ પર કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહને રાહુલની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક સવાર રાહુલ રોડ પર ફંગોળાયો હતો અને તેને માથાના ભાગે અત્યંત જીવલેણ ઈજાઓ પહોંચી હતી.સ્થાનિકો અને રાહદારીઓ મદદે દોડે તે પહેલા જ રાહુલે અંતિમ શ્વાસ લીધા હતા.માનવતા નેવે મૂકીને ટક્કર મારનાર વાહનચાલક અકસ્માત સર્જી અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને પરિચિતો હોસ્પિટલ તથા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું.વાગરા પોલીસ કાફલાએ તુરંત ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમકા શરૂ કર્યો હતો. હાલમાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




