ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં આવેલ આર.કે. એલીનોરા શોપિંગ સેન્ટરમાં આવેલી સાઈ અગરબત્તીની દુકાનમાં આજે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.ઘટનાને પગલે થોડા સમય માટે શોપિંગ સેન્ટરમાં અફરાતફરી મચી હતી.
જોકે શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ફાયર સેફટી સાધનોના યોગ્ય ઉપયોગથી સ્થાનિક લોકો દ્વારા જ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.ઘટનાની જાણ થતા ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.પરંતુ ફાયર ફાઇટરો પહોંચવામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે.
સદભાગ્યે, સમયસર આગ ઉપર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાનિ નોંધાઈ નથી.જો શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન હોત,તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
આ બનાવે ફાયર સેફટી વ્યવસ્થાની મહત્વતા અને તાત્કાલિક પ્રતિસાદની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.




