લ્યો કરો વાત : રાજ્ય ચૂંટણી આયોગે ભચરવાડા બેઠક માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાનું જ ભૂલી ગયા!

SHARE:

– રાજ્ય ચૂંટણી આયોગનો ગંભીર છબરડો 
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગની એક મોટી ગંભીર ટેકનિકલ ભૂલ સામે આવી છે.નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે વિવાદ સર્જાયો છે. જિલ્લાની 2-ભચરવાડા તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી અધિકારી (RO) કે મદદનીશ ચૂંટણી અધિકારી(ARO)ની નિમણૂક જ કરવામાં આવી નથી, જેના કારણે આ બેઠકનું ભવિષ્ય હવે અદ્ધરતાલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા પંચાયતની 22 અને 6 તાલુકા પંચાયતની 102 બેઠકો માટે આયોગ દ્વારા અગાઉથી જ અધિકારીઓની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જો કે જવાબદાર અધિકારીઓની ચૂકને કારણે 2-ભચરવાડા તાલુકા પંચાયત બેઠક માટે કોઈ પણ જવાબદાર અધિકારીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
આ બેઠકનું મહત્ત્વ એટલે પણ વધુ છે કારણ કે, ગત ટર્મમાં આ બેઠક અનુસૂચિત આદિજાતિ મહિલા માટે અનામત હતી, જે આ વર્ષે બદલીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) માટે જાહેર કરવામાં આવી છે.ગત ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના માજી ધારાસભ્યના પૌત્રવધુ અને ભાજપના પૂર્વ ધારાસભ્યના સાળાની દીકરી વિજેતા બન્યા હતા જેથી આ બેઠક રાજકીય રીતે ખૂબ મહત્ત્વની ગણાય છે.
ટેકનિકલ રીતે જોતાં, જે બેઠક માટે કોઈ ચૂંટણી અધિકારી જ નક્કી ન હોય, ત્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈને મતગણતરી સુધીની કામગીરી કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન છે. આ ભૂલને કારણે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. 
આ ગંભીર છબરડા અંગે જ્યારે નાંદોદ તાલુકા વિકાસ અધિકારી (TDO) પઠાણને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે આ એક ટેકનિકલ ક્ષતિ છે. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગનું ધ્યાન દોર્યું છે અને ટૂંક સમયમાં આ પ્રશ્નનો ઉકેલ લાવી અધિકારીની નિમણૂક કરી દેવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!