ભરૂચ,
આમોદ નગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ સાથે રાજકીય માહોલ ગરમાયો છે.જેનાથી રાજકીય પક્ષોમાં કાર્યકરો અને આગેવાનોમાં ચૂંટણીને લઈને ભારે દોડધામ જોવા મળી રહી છે.કેટલાક કાર્યકરો પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે.આ પરિસ્થિતિમાં આમોદ નગરપાલિકાના વોર્ડ નં.૨ના કોંગ્રેસના આગેવાન લક્ષ્મણભાઈ રબારી ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તેમણે ભાજપની વિચારધારા અને વિકાસ કાર્યોથી પ્રેરાઈને પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રસંગે તિલક મેદાન ખાતે આવેલા વેરાઈ માતાના મંદિરે લક્ષ્મણભાઈ રબારીને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,મહામંત્રી હિતેશ શાહ,ભાવિક પટેલ તેમજ સમાજના આગેવાનોના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.જે નિમિત્તે ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા જોડાયેલા સભ્યનું ભારતીય જનતા પાર્ટીમાં ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.કોંગ્રેસના આગેવાનની ભાજપમાં ઘરવાપસી થતા આમોદ શહેર ભાજપમાં નવીન આશાનો સંચાર થયો હતો.




