નર્મદા પરિક્રમાવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે ચારે ઘાટ પર ૨૭ સીસીટીવી કેમેરાની ખાસ વ્યવસ્થા

SHARE:

– દરેક ઘાટ સહિત રોડ-રસ્તા પર ૨૧૦૦ થી વધુ પોલીસ બંદોબસ્ત

– સીસીટીવી કેમેરા દ્વારા પરિક્રમાર્થીઓની અવરજવર, ભીડ નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું સતત મોનિટરિંગ 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા તા. ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી યોજાનાર છે. આ પવિત્ર પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉપસ્થિત રહી પરિક્રમા કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી રહ્યા છે.

પરિક્રમાવાસીઓને સુવિધાસભર રીતે પરિક્રમા કરી શકે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.પોલીસ વિભાગ દ્વારા ચારેય ઘાટ પર ૨૪ કલાક સતત સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે, જેથી પરિક્રમાર્થીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે. દરેક ઘાટ પર કંટ્રોલરૂમની વ્યવસ્થા સાથે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. આ કેમેરાઓ દ્વારા પરિક્રમાર્થીઓની અવરજવર, ભીડ નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. કોઈ વાહન રસ્તા પર લાંબા સમય સુધી ઉભું ન રહે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે, જેના પરિણામે પરિક્રમાર્થીઓ સુરક્ષિત અને સુગમ રીતે પરિક્રમા કરી રહ્યા છે.

પી.એસ.આઈ આર.આર.અલગોતરે જણાવ્યુ હતું કે જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા ચારેય ઘાટ પર સીસીટીવી કેમેરા થકી ૨૪ કલાક સુપરવિઝન કરવામાં આવે છે. ખાસ કરીને નદીમાં કોઈ નાહવા ન જાય, પ્રાઈવેટ વાહનોને અંદર આવવા ન દેવા તેમજ પરિક્રમાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ધ્યાન આપવામાં આવે છે.આ કામગીરી પરિક્રમા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.પોલીસ વિભાગની કામગીરીમાં અન્ય જિલ્લાઓમાંથી ૫૨૩ જેટલા અધિકારીઓ (ડીવાયએસપી) અને ૪૯૦ પોલીસ કર્મચારીઓ જોડાયા છે.જ્યારે નર્મદા જિલ્લામાં થી ૫ ડીવાયએસપી, ૮ પોલીસ ઈન્સ્પેક્ટર, ૧૬ પીએસઆઈ, ૩૦૦ પોલીસ કર્મચારીઓ તેમજ ૭૭૧ હોમગાર્ડ અને જી.આર.ડી મળીને કુલ ૨૧૦૦થી વધુ કર્મચારીઓ ૨૪ કલાક પરિક્રમામાં ખડેપગે કામગીરી કરી રહ્યા છે. 

આ ઉપરાંત ૪૭ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે.આઈ.ટી અને ડિજિટલ મોનિટરિંગ ટીમ દ્વારા તથા સીસીટીવીના માધ્યમથી સ્થળોની રિયલ-ટાઈમ દેખરેખ રાખવામાં આવી રહી છે.પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે તમામ જરૂરી તકેદારીઓ સાથે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.૧૪ કિલોમીટર લાંબા ઉત્તરવાહિની પરિક્રમા રૂટ પર પોલીસ વિભાગ દ્વારા ખડેપગે રહી શ્રદ્ધાળુઓની સેવા અને સુરક્ષા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે, જે પ્રશંસનીય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!