નવી દિલ્હી ખાતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરતો ‘રુહાની ઉત્સવ’ ભવ્ય રીતે સંપન્ન

SHARE:

– ભરૂચના બે કેલીગ્રાફી કલાકારો દ્વારા વિશ્વશાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો
નવી દિલ્હી,
સ્પિરિત્યુઅલ ત્રેઈલ્સ ઈન્ડિયા પ્રા.લી દ્વારા તાજેતરમાં ૨૮ થી ૨૯ માર્ચ ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હી ખાતે આયોજિત “રુહાની ઉત્સવ” અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો છે. “વસુધૈવ કુટુંબકમ” (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) અને “રુહાનીયત” (આત્માની ઊંડાણભરી એકતા) ના ઉમદા વિષયો પર આધારિત આ ઉત્સવે કલા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચ્યો હતો.
બે દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશના મહેમાનો અને કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. અંદાજે ૭૫,૦૦૦ થી વધુ કલા રસિકોએ આ પ્રદર્શન અને વર્કશોપની મુલાકાત લઈ કલાના માધ્યમથી વહેતા ભાઈચારાના સંદેશને માણ્યો હતો.ખાસ કરીને નવી દિલ્હી સ્થિત સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાંસ, ઉજ્બેકિસ્તાન, રશિયા અને અન્ય  એમ્બેસી માંથી આવેલા પ્રતિનિધિઓએ વિશેષ હાજરી આપી હતી અને કેલીગ્રાફી કલાની ભવ્યતાની મુક્ત કંઠે સરાહના કરી હતી.
સમગ્ર ભારત માંથી કુલ ૧૨ જેટલા પ્રતિભાશાળી કેલીગ્રાફી કલાકારોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ભરૂચનું પ્રતિનિધિત્વ કરતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર ગોરી યુસુફ હુસેન (૪૦ વર્ષનો અનુભવ) અને નવોદિત ઉત્સાહી કલાકાર નરેન્દ્ર કે.સોનાર દ્વારા અરેબિક અને દેવનાગરી કેલીગ્રાફીની અદભૂત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમણે પોતાની કલમ દ્વારા માનવજાતની એકતાનો સંદેશ પ્રસ્તુત કર્યો હતો.આ ઉત્સવનો મુખ્ય હેતુ કેલીગ્રાફી દ્વારા સંસ્કૃતિ, ભાષા અને પ્રદેશની ભિન્નતા હોવા છતાં ‘સૌ એક માનવ કુટુંબના સભ્ય છીએ’ તે વિચાર યુવાનો સુધી પહોંચાડવાનો હતો. પ્રદર્શનમાં અરેબિક, ઉર્દૂ, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષાના અક્ષરોને આધુનિક શૈલીમાં રજૂ કરી પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સાધવામાં આવ્યો હતો.
“રુહાનીયત એ સુફી પરંપરાનું પ્રતિબિંબ છે,જ્યારે વસુધૈવ કુટુંબકમ એ ભારતીય સંસ્કૃતિનો જીવનમંત્ર છે. આ પ્રદર્શની દ્વારા અમે સાબિત કર્યું છે કે કલાના માધ્યમથી પ્રેમ અને શાંતિનો સંદેશ સીમાઓ વટાવીને હૃદય સુધી પહોંચી શકે છે.”
અંતે આ ઉત્સવ આતિથ્યભાવના અને ‘અનેકતામાં એકતા’ના ઉદ્દેશ્યને સાર્થક કરવામાં સંપૂર્ણ સફળ રહ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!