(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે ઉત્સાહ અને ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે પાર્ટીના કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચ-નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવા,નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ,પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, ધારાસભ્ય ભરૂચ રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સહિત જિલ્લાના વિવિધ મંડળોના આગેવાનો,પદાધિકારીઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતા.
સ્થાપના દિવસ નિમિત્તે કમલમ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જેવા મહાન નેતાઓને યાદ કરી તેમના વિચારોને કાર્યકરો દ્વારા અનુસરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત નેતાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આજે માત્ર રાજકીય પક્ષ નથી પરંતુ દેશસેવા, જનસેવા અને રાષ્ટ્ર નિર્માણનું આંદોલન બની ચૂકી છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે.
કાર્યક્રમ દરમ્યાન કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે કાર્યકરોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, જલ જીવન મિશન, કિસાન સન્માન નિધિ, સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઈન્ડિયા, તેમજ ગુજરાત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો વિકાસના પથ પર સતત આગળ વધી રહ્યો છે અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી જિલ્લાના ગામડાઓ સુધી વિકાસ પહોંચાડવામાં ભાજપના કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો છે.
ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખએ જણાવ્યું હતું કે ભાજપની નીતિ અને વિચારધારાનું મુખ્ય સૂત્ર “સબકા સાથ,સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ” છે અને ભાજપ સરકાર પ્રજાના જીવનમાં સુખાકારી લાવવા સતત પ્રયત્નશીલ છે.
જિલ્લા પ્રમુખ નીલ રાવે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ કાર્યકરોને અત્યારથી જ સંગઠન મજબૂત કરીને જનસંપર્ક વધારવાની અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત હાંસલ કરશે અને વિકાસની ગતિ વધુ તેજ બનશે.
કાર્યક્રમ દરમ્યાન કાર્યકરો દ્વારા એકબીજાને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી મીઠાઈ વહેંચવામાં આવી હતી.અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.




