ભરૂચ,
આમોદ તાલુકા પંચાયતના ઈખર -૧ બેઠકના અપક્ષ સદસ્ય અમીષા પટેલના પતિ કેતનભાઈ પટેલે આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ જતા તાલુકા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ઈખર-૧ વિસ્તારમાં અપક્ષ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અમીષા પટેલના પતિ કેતનભાઈ પટેલે હવે સક્રિય રાજકારણમાં નવી દિશા તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
આ પ્રસંગે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તથા માજી જિલ્લા પંચાયત સદસ્ય ભૂપેન્દ્રસિંહ ડાયમાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કેતન પટેલે તેમના સમર્થકો દ્વારા કોંગ્રેસનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો. કાર્યક્રમમાં તાલુકા તેમજ આસપાસના વિસ્તારો માંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જેથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.રાજકીય વિશ્લેષકોના મતે અપક્ષ સદસ્ય તરીકે લોકપ્રિયતા મેળવનાર અમીષા પટેલના પતિ કેતનભાઈ પટેલના કોંગ્રેસમાં પ્રવેશથી આવનારી સ્થાનિક ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી શકે છે.
ખાસ કરીને ઈખર-૧ અને આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષને તેનો સીધો ફાયદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.કેતન પટેલના કોંગ્રેસમાં જોડાવાથી આમોદ તાલુકા રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ હતી.વધુમાં કેતન પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં જ હતો પરંતુ તાલુકા પંચાયત ભાજપની બનાવવા માટે મે અપક્ષ તરીકે સમર્થન કર્યું હતું.ભાજપમાં હવે હિટલરશાહી ચાલે છે.જેથી મેં કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.




