ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ઘસાડો : ત્રિપાંખીયો જંગ ખેલાશે

SHARE:

– ભાજપ, કોંગ્રેસ,આપ અને અપક્ષોએ ઉમેદવારી નોંધાવી 

ભરૂચ,

ભરૂચ નગર સેવાસદનની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી.ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરી પોતપોતાની જીતના દાવા કર્યા હતા.

ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી.ભાજપ દ્વારા ગતરોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા હતા જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા.કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી ન હતી જો કે ઉમેદવારોને મૌખિક સૂચના અપાતા તેઓએ પણ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા.આ સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે ભારે ઉમંગ સાથે આગળ આવ્યા હતા.ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર નવમાં સતત ૬ ટર્મથી ચૂંટાઈ આવતા સતીશ મિસ્ત્રીની પત્નીનું નામ ભાજપની યાદીમાં જાહેર થયા બાદ મેન્ડેડ નહીં આપતાં આ વખતે પણ સતીશ મિસ્ત્રીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેઓ ત્રણ વખત ભાજપ માંથી અને ત્રણ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે જોકે જીત મળ્યા બાદ તેઓ ભાજપને ટેકો જાહેર કરે છે.ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા સમશાદ અલી સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુત્તુબુદ્દીન શેખને ટિકિટ આપી છે ત્યારે કુત્તુબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમની જીતના દાવો કર્યો હતો તો બીજી તરફ સમશાદ અલી સૈયદે પોતે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેની સાથે હોવાનું અને જે કામગીરી સોંપવામાં આવશે તે જવાબદારી સ્વીકારવાનું નિવેદન આપ્યું હતું.તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીઓએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.ઉમેદવારીના અંતિમ દિવસે ભીડ અને સંભાવિત ગડબડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આવનારી 26 એપ્રિલની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગી ગયા છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!