– ધારાસભ્ય ડી.કે.સ્વામીની આગેવાનીમાં ભાજપે ઢોલ નગારા સાથે વિશાળ શક્તિ પ્રદર્શન કર્યું
ભરૂચ,
આમોદમાં આજ રોજ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ધારાસભ્ય ડી.કે.સ્વામીની આગેવાનીમાં ઉમેદવારો ઢોલ-નગારા અને ઉત્સાહભેર રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું.જેથી ભાજપ તરફી રાજકીય વાતાવરણ ઊભું થયું હતું.
આમોદ તાલુકા ભાજપ કાર્યાલયથી ધારાસભ્ય ડી.કે.સ્વામીની આગેવાની હેઠળ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,મહામંત્રી હિતેશ પટેલ, મયૂરસિંહ રાજ સહિત જીલ્લા હોદેદારો અને મહિલા કાર્યકરો સાથે વિશાળ રેલી સાથે ઢોલ નગારા સાથે ભરૂચ જીલ્લા પંચાયતની બે બેઠકો ઈખર અને આછોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.તેમજ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો ઉપર ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ ભરીને આપ્યું હતું.આ તબક્કે ધારાસભ્ય ડી.કે.સ્વામી વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડવાનું જણાવ્યું હતું તેમજ વિસ્તારમાં થયેલા વિકાસના કામોને આધારે મતદારો પાસે પહોંચવાનો સંકલ્પ કર્યો હતો અને પૂર્ણ બહુમતી સાથે ભાજપની તમામ બેઠકો ઉપર વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.આ ઉપરાંત આમોદ નગરપાલિકાની તમામ ૨૪ બેઠકો માટે આજ રોજ વોર્ડ નંબર ૬ ના તમામ ઉમેદવારોએ ગણપતિ મંદિરેથી દર્શન કરી ડી.જેના તાલ સાથે વિશાળ રેલી કાઢી હતી.જે રેલીમાં પણ ધારાસભ્ય ડી.કે.સ્વામી આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ,ભાવિક પટેલ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.ભાજપના ઉમેદવારોએ રસ્તામાં આવતી ભગવાન બિરસા મુંડા તેમજ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ ભરીને આપ્યા હતા.
ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા આમોદ શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.આ ઉપરાંત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી.જેથી આમોદ નગરપાલિકામાં કોંગ્રેસ,ભાજપ તેમજ આમઆદમી પાર્ટી લઈને ત્રિકોણીય જંગ જામ્યો હતો.આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ અને ચારમાં કોંગ્રેસે સિમ્બોલ આપ્યા વગર અપક્ષ ઉમેદવારોની પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.આમોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે મોટા ભાગના વોર્ડમાં આયાતી ઉમેદવારો મૂકતા સ્થાનિક મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.આ બાબતે વોર્ડ નંબર એક નાં આયાતી ઉમેદવાર સાજિદ રાણાને પુછતા તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસે આયાતી ઉમેદવાર મૂક્યા હતા.જે બાબા સાહેબે આપેલા સંવિધાન કારણે ઉમેદવાર કોઈ પણ વોર્ડમાં જઈને ચૂંટણી લડી શકે છે.તેમજ તાલુકા પંચાયતની આછોદ બેઠક ઉપર કોંગ્રેસના કાર્યકરોને ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ભાજપના ઉમેદવારોએ આજ રોજ અંતિમ દિવસે નગરપાલિકાની ૨૪ બેઠકો માટે તાલુકા પંચાયતની ૧૬ બેઠકો તેમજ જીલ્લા પંચાયતની બે બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.તેમજ રાત્રીના સમયે પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરેલી ઉમેદવારોની યાદી માંથી અમુક ઉમેદવારોને મેન્ડેડ કપાયા હતા.જેથી ભાજપે તાત્કાલિક ઉમેદવવારો બદલવાની ફરજ પડી હતી.ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા માટે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ,ભાવિક પટેલ પૂર્વ મહામંત્રી તથા સક્રિય કાર્યકર ભીખાભાઈ લીંબચીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.




