ભરૂચ,
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે.ત્યારે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષમાં મેન્ડેટને લઈને મોટો ‘ટ્વિસ્ટ’ આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.એક જ પક્ષના ઉમેદવારો સામસામે આવી જતાં હવે મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે.
વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ તરફી કુલ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.વિવાદ ત્યારે સર્જાયો જ્યારે એક જ વોર્ડમાં અલગ-અલગ ઉમેદવારોએ પોતાની પાસે પાર્ટીનું અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો કરી ઉમેદવારી નોંધાવી છે.કુતબુદ્દીન પટેલે શહેર પ્રમુખની સૂચનાથી પાર્ટીના મેન્ડેટ પર તેમણે ફોર્મ ભર્યું છે.બીજી તરફ ત્રણ ટર્મ થી ચૂંટાતા સમશાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવતા કાર્યકરોમાં ભારે મુંઝવણ અને વિવાદ ઉભો થયો છે.
ઉમેદવાર કુતુબુદ્દીન પટેલે આક્ષેપ કર્યો છે કે પાર્ટી દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ પૈકી કયા સાચા છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ. તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.તેમણે જણાવ્યું હતું કે મેન્ડેટને લઈને હાલ પાર્ટીમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે. બે-બે મેન્ડેટ ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા, તે દિશામાં પ્રદેશ નેતૃત્વ સાથે સંકલન સાધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ ‘મેન્ડેટ યુદ્ધ’નો અંત કેવી રીતે લાવે છે અને કયા ઉમેદવારને અંતિમ મંજૂરી મળે છે.




