જંબુસરના ઉચ્છદમાં હરિપ્રબોધમ સત્સંગ સભા યોજાતા ભક્તિ અને આશીર્વાદનો અલૌકિક મેળાપ

SHARE:

– “ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીના સાનિધ્યમાં ઉચ્છદ ગામે ભક્તિભાવની ગંગા વહેતી થઈ”

– “હરિપ્રબોધમ સત્સંગ સભાએ ઉચ્છદ ગામને આધ્યાત્મિક રંગે રંગ્યું”

– “બસ તું રાજી થા’ના સંદેશ સાથે ઉચ્છદમાં સત્સંગનો મહિમા સમજાવાયો” 

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે હરિપ્રબોધમ સત્સંગ સભા ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય રીતે યોજાઈ હતી.આ આધ્યાત્મિક પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી,હરીઅક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત શ્રીજીચરણ સ્વામી, સાધુ સૌરભ સ્વામી,સર્વમંગલ સ્વામી,મૈત્રી સ્વામી સહિત સાધુ-સંતો તેમજ જંબુસર પંથકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ કીર્તન-ભક્તિ સાથે થયો હતો.ઉચ્છદ મંડળના બાળકો દ્વારા રજૂ કરાયેલા ભક્તિ નૃત્ય અને સંવાદ કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ ભક્તજનોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે જીવનમાં મોટા પુરુષની આજ્ઞાને મન અને બુદ્ધિથી સ્વીકારવી એજ સાચી ભક્તિ છે.પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આપણને અંતરથી સુખી કર્યા છે, તેથી પ્રાદેશિક સંતોને ગમે તેવી સરળ અને નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવી જોઈએ.તેમણે ઉમેર્યું કે જીવનનું મુખ્ય ધ્યેય “બસ એક તું રાજી થા” હોવું જોઈએ.સાધુ સર્વમંગલ સ્વામીએ સત્સંગનું મહત્વ સમજાવતા જણાવ્યું કે “સાધુને બે હાથ જોડવા અને સત્પુરુષ કહે તેમ કરવું એજ સાચો સત્સંગ છે.”તેમણે ઉમેર્યું કે ગુણાતીત બનવા માટે ઓછું બોલવું અને વધુ સહન કરવું જરૂરી છે.જીવન માંથી અહંકાર દૂર કરીને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોને જીવનમાં ઉતારવા જોઈએ. તેમણે ભગવાનની સર્વોપરીતાને દ્રષ્ટાંતો સાથે સરળ ભાષામાં સમજાવી.

જંબુસર તાલુકાના સત્સંગ અગ્રણી બળવંતભાઈ પઢીયારે અનેક ઉદાહરણો સાથે સત્સંગનું મહત્વ સમજાવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.આ સત્સંગ સભામાં જંબુસર તાલુકાના અગ્રણીઓ નીતિનભાઈ પટેલ,બળવંતસિંહ પઢિયાર,સુરેશભાઈ, ધનંજયભાઈ ભટ્ટ,મકનજી પટેલ,કિશોરભાઈ જડિયા, સહિત અનેક આગેવાનો તેમજ જંબુસર, પાદરા અને આસપાસના ગામોના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!