– ગૃહમંત્રી યુવાન છે તેમને નાચવા કૂદવાનો નહીં ગાંધી અને સરદારના ગુજરાતને જોવાની જવાબદારી છે : રાજેન્દ્રસિંહ રણા
– ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી
ભરૂચ,
ભાવનગરમાં બનેલા કથિત લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા હતા.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાની હેઠળ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે તેવી માગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમ્યાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે સરકાર જવાબદાર છે. પોલીસ તંત્રની રહેમનજર હેઠળ બુટલેગરોને ગેરકાયદે પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવતી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમ્યાન વિરોધ પક્ષના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવા તેમજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવવા માટે બુટલેગરોનો ઉપયોગ કરવામાં આવે છે.તેના બદલામાં તેમને ગેરકાયદે પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવતી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ વિગતોનો હવાલો આપતાં દાવો કર્યો હતો કે કથિત રીતે 250 જેટલી ઝેરી બોટલોમાંથી માત્ર 120 જેટલી બોટલો મળી આવી છે.બાકીની બોટલો અંગે પ્રશાસને સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માગ તેમણે કરી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવી યુવાન છે તેમને નાચવા કૂદવાનો નહીં પરંતુ ગાંધી અને સરદારના ગુજરાતને જોવાની જવાબદારી છે.સાથે જ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરવા સાથે રાજ્યમાં ગેરકાયદે નશાયુક્ત પદાર્થોના વેચાણ અને હેરાફેરી પર કડક અંકુશ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા, નગરપાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ,ઈમરાન પટેલ,જીગ્નેશ બ્રહ્મભટ્ટ,મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.




