ભરૂચ,
આમોદ તાલુકાના દાંડા ગામના અને છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા યોગેન્દ્રસિંહ રણમલસિંહ રાજને આમોદ પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવી છેતરપિંડી કરી હોવાના ગુનાઓમાં તેની સામે વિવિધ અદાલતોમાં કાર્યવાહી ચાલતી હતી.આમોદ,ભરૂચ અને વાગરાની અદાલતોમાં તેના વિરુદ્ધ સજા વોરંટના કેસો હોવાનું તેમજ કરજણ અને ભરૂચની કોર્ટમાં ધરપકડ વોરંટ (NBW) બાકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
યોગેન્દ્રસિંહ રાજ છેલ્લા સાત વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો.તેણે ખોટું સરનામું દર્શાવી પોલીસને પણ ગેરમાર્ગે દોરતો હોવાનું સામે આવ્યું હતું.
આ દરમિયાન આમોદ પોલીસને બાતમી મળી હતી કે યોગેન્દ્રસિંહ રાજના પિતા રણમલસિંહ રાજ સુરત જેલમાં છે અને તેમને મળવા માટે યોગેન્દ્રસિંહ સુરત આવવાનો છે જેથી આમોદ પોલીસની ટીમે સુરત ખાતે વોચ ગોઠવી હતી.
યોગેન્દ્રસિંહ રાજ સુરત ખાતે પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.આ રીતે છેલ્લા સાત વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આમોદ પોલીસને મોટી સફળતા મળી હતી.
પોલીસ તપાસમાં યોગેન્દ્રસિંહ રાજ સામે લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવી છેતરપિંડી કરી હોવાના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.આ મામલે આમોદ, ભરૂચ તેમજ વાગરા કોર્ટમાં કેસો ચાલી ચૂક્યા છે અને છેતરપિંડીના ગુનામાં અદાલતો દ્વારા તેને સજા ફટકારવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
તે ઉપરાંત કરજણ અને ભરૂચની કોર્ટમાં તેની સામે ધરપકડ વોરંટ પણ બાકી હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હતું. સજા વોરંટ અને ધરપકડ વોરંટ હોવા છતાં તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.
આમોદ પોલીસે યોગેન્દ્રસિંહ રાજને આમોદ કોર્ટમાં રજૂ કર્યો હતો.ત્યાર બાદ તેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.



