અંકલેશ્વર GIDCમાં મોહન પોલીફેબ કંપની નજીક વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી મળતા RCC સ્લેબ તોડી તપાસ શરૂ

SHARE:

ભરૂચ,
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત (GIDC)ની વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી વહેતું હોવાની અગાઉથી મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તથા NCT/નોટિફાઇડ વિભાગ દ્વારા મોનિટરિંગ અને તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.
આ તપાસ દરમ્યાન મોહન પોલીફેબ કંપની પાસેથી પસાર થતી વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી વહેતું હોવાનું જણાતા સંબંધિત સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.મોહન પોલીફેબ નામની કંપનીના ગેટ નજીક બનાવવામાં આવેલા RCC સ્લેબને તોડી ગટરની અંદરની સ્થિતિની તપાસ કરવામાં આવી હતી.
સ્થળ પર GPCB, NCT તથા નોટિફાઈડ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પાણીના નમૂના લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ઉપરાંત મળેલા પુરાવા તથા શંકાના આધારે અન્ય કેટલાક ઔદ્યોગિક એકમોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં પાણીના પ્રદૂષણ અંગેની ફરિયાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સુધી પણ પહોંચી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી.આ સમિતિની બેઠકોમાં GPCB, NCT/નોટિફાઇડ વિભાગ, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ ફરિયાદી રોહિતભાઈ પ્રજાપતિ,હરેશભાઈ પરમાર અને સલીમ પટેલ ઉપસ્થિત રહી પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરી અને તેના મોનિટરિંગની સમીક્ષા કરતા રહ્યા છે.
આજે યોજાયેલી સમીક્ષા બેઠક દરમ્યાન અધિકારીઓ દ્વારા સ્થળ પર મળેલી સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી.ત્યાર બાદ સંબંધિત સ્થળની મુલાકાત લેવામાં આવતા વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી જોવા મળ્યું હતું અને ગટરની રચનાની અંદર સુધી તપાસ કરવામાં આવી હતી.
આ અંગે સ્થળ પર હાજર GPCBના પ્રાદેશિક અધિકારી અગ્રવાલને પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે “અમે હાલ અમારી નિયમ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ. હાલ સેમ્પલ લીધા છે અને રિપોર્ટના આધારે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”
કંપનીના MDનું કહેવું સ્થળ પર મોહન પોલીફેબના MD સંદીપ અગ્રવાલને પ્રદૂષિત પાણી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે “અમે પ્રદૂષિત પાણીનો નિકાલ કર્યો નથી.”
હાલ આ મામલે સત્તાવાર તપાસ અને પાણીના નમૂનાના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.તેથી પ્રદૂષણના સ્ત્રોત અને જવાબદારી અંગે અંતિમ નિષ્કર્ષ સત્તાવાર તપાસના પરિણામ બાદ જ સ્પષ્ટ થશે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ઔદ્યોગિક એકમો અંગે હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના વિવિધ એકમો પાસેથી સોગંદનામા લેવામાં આવ્યા હતા. તેમાં એકમો દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ ન કરતા હોવા તેમજ કોઈ ગેરકાયદેસર ભૂગર્ભ જોડાણ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું અને જો આવું જોડાણ જણાય તો કાયદેસરની કાર્યવાહી સ્વીકારવાની વાત કરવામાં આવી હતી.
સલીમ પટેલે સવાલ ઉઠાવ્યો છે કે “જો કોઈ એકમ દ્વારા કોર્ટ સમક્ષ સોગંદનામું આપ્યા બાદ પણ ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણીનો નિકાલ થતો હોવાનું તપાસમાં સાબિત થાય, તો આવા એકમ સામે GPCB દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? શંકાસ્પદ એકમોના અગાઉના સોગંદનામાની પણ તપાસ કરવામાં આવશે કે નહીં?”
તેમણે સંબંધિત વિભાગને માંગ કરી છે કે વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી પહોંચવાના તમામ સંભવિત સ્ત્રોતોની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરકાયદેસર જોડાણ અથવા નિકાલ જણાય તો જવાબદાર એકમ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!