દોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગામનું નામ રોશન કર્યું

SHARE:

– શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું

ભરૂચ,

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આહિલ રફીકશા દિવાને રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી દોરા ગામ, શાળા અને સમગ્ર પરિવારનું નામ ગૌરવવંતુ કર્યું હતું.સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં આહિલે પોતાની આગવી વક્તૃત્વ શૈલી અને પ્રભાવશાળી વાણીથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આ સિદ્ધિ બદલ ગત ૧૬મી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યનાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે આહિલને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યો હતો.

રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ગામમાં પરત ફરેલા આહિલનું દોરા પ્રાથમિક શાળા ખાતે ગામલોકો અને શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડી.જે.ના તાલ સાથે ઉત્સાહભેર યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં આહિલ પર પુષ્પવર્ષા કરીને તેનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના શિક્ષકે આહિલને પોતાના ખભે બેસાડીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. પોતાના ગામના દીકરાએ રાજ્યકક્ષાએ શાળાનું નામ રોશન કરતાં ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં આહિલ રફીકશા દિવાને ‘વિકસિત ભારત ૨૦૪૭’ વિષય પર પોતાની આગવી શૈલીમાં પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આહિલે આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કરતાં ઉપસ્થિત મહેમાનો પણ તેની વાણી અને વક્તૃત્વ કળાથી પ્રભાવિત થયા હતા.

આ સ્પર્ધામાં આહિલે માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં, પરંતુ સીઆરસી કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ પણ સતત પ્રથમ ક્રમાંક મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. વિવિધ તબક્કામાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ વિજેતા બની આહિલે પોતાની મહેનત,આત્મવિશ્વાસ અને શિક્ષકોના માર્ગદર્શનથી સિદ્ધિ મેળવી હતી.– સામાન્ય પરિવાર માંથી આવતા આહિલની અસાધારણ સિદ્ધિ

 

આહિલ રફીકશા દિવાન એક સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારનો દીકરો છે.તેના પિતા રફીકશા દિવાન દોરા ગામમાં જ અનાજ દળવાની ઘંટી તેમજ છૂટક પાન-પડીકીની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મર્યાદિત આર્થિક સંસાધનો ધરાવતા પરિવારમાંથી આવતા આહિલે પોતાની પ્રતિભા, લગન અને મહેનતના બળે રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને સાબિત કર્યું છે કે પ્રતિભા કોઈ આર્થિક પરિસ્થિતિની મોહતાજ નથી.

આહિલની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.યોગ્ય માર્ગદર્શન, સતત અભ્યાસ અને આત્મવિશ્વાસ હોય તો સામાન્ય પરિવારમાંથી આવતો વિદ્યાર્થી પણ રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભાનો પરચો આપી શકે છે,તેનું ઉત્તમ ઉદાહરણ આહિલે પૂરું પાડ્યું છે.

દોરા પ્રાથમિક શાળાનાં આચાર્યા ક્રિષ્નાબેન જાનીએ આહિલની સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારી શાળાના વિદ્યાર્થી આહિલ દિવાને સીઆરસી કક્ષાથી લઈને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધીની વક્તૃત્વ સ્પર્ધાઓમાં સતત પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આહિલે રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.તેની આ સિદ્ધિથી શાળાના અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળશે. આહિલની પ્રતિભાને બિરદાવવા અને તેની સફળતાને વધાવવા શાળા પરિવાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

આહિલને વક્તૃત્વ સ્પર્ધા માટે તૈયાર કરવામાં શિક્ષિકા મીતાબેન પટેલે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે આહિલને વક્તવ્ય તૈયાર કરવામાં માર્ગદર્શન આપ્યું હતું, જેના પરિણામે આહિલ વિવિધ કક્ષાઓમાં પોતાની વક્તૃત્વ કળા રજૂ કરી સફળતા મેળવવામાં સક્ષમ બન્યો હતો.– પિતાએ શાળા પરિવાર અને શિક્ષિકાનો આભાર માન્યો

 

આહિલના પિતા રફીકશા દિવાને પોતાના દીકરાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમના દીકરાએ સીઆરસી કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધીની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જે સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે. આ સફળતા માટે તેમણે આહિલને વક્તવ્ય તૈયાર કરી આપનાર શિક્ષિકા મીતાબેન પટેલ, શાળાનાં આચાર્યા ક્રિષ્નાબેન જાની તથા સમગ્ર શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આહિલ રફીકશા દિવાનની રાજ્ય કક્ષાની આ સિદ્ધિથી દોરા ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો.ગામના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીએ પોતાની પ્રતિભાના બળે રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી ગામ અને શાળાનું નામ રોશન કરતાં ગ્રામજનોમાં ગૌરવની લાગણી પ્રસરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!