જંબુસરમાં રાજપૂત સમાજ યુવા સંગઠન દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન સમારોહ યોજાયો

SHARE:

– શસ્ત્ર સાથે શાસ્ત્ર અને શિક્ષણ પણ જરૂરી : મહાનુભાવોએ સમાજને જાગૃત થવા આહ્વાન કર્યું

(સંજય પટેલ,જંબુસર) 

વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે જંબુસર ખાતે રાજપૂત સમાજ યુવા સંગઠન દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જંબુસર સ્થિત બીએપીએસ મંદિર ખાતે કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સીગામ સ્ટેટના ઠાકોર સાહેબ ઉદયસિંહભા સાહેબ, સારોદ સ્ટેટના અજીતસિંહ સિંધા સાહેબ, સામાજિક અગ્રણી મુકેન્‍દ્રસિંહ યાદવ, કનકસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મા જગદંબાની આરતી ઉતારી સમાજની સુખાકારી, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.દશેરાના પવિત્ર પર્વે શસ્ત્ર પૂજન સાથે ક્ષત્રિય પરંપરા, શૌર્ય, પરાક્રમ અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ માટે શસ્ત્ર જેટલું જ શાસ્ત્ર અને શિક્ષણનું પણ મહત્વ છે.આજના આધુનિક યુગમાં શિક્ષણની અત્યંત આવશ્યકતા છે અને સમાજના યુવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સૌએ જાગૃત થવાની જરૂર છે.સાચું શિક્ષણ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી, પરંતુ જીવન કેવી રીતે જીવવું, સમાજ પ્રત્યેની જવાબદારી કેવી રીતે નિભાવવી અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તેની સમજ કેળવવાનું માધ્યમ છે.વક્તાઓએ દશેરાના પવિત્ર દિવસનું મહત્વ સમજાવતાં ક્ષત્રિય સમાજના ગૌરવશાળી ઈતિહાસ અને પૂર્વજોના બલિદાનને યાદ કર્યા હતા.આપણા પૂર્વજોએ પોતાના લોહી અને પરિશ્રમથી જે પરંપરા તથા સંસ્કૃતિનું સિંચન કર્યું છે,તેને જાળવી રાખવાની જવાબદારી આજની પેઢીની છે.શૌર્ય,તેજ અને પરાક્રમ ક્ષત્રિય સમાજની ઓળખ છે,ત્યારે આ ગુણોની સાથે સંસ્કાર, સમજદારી અને શિક્ષણને પણ જીવનમાં સ્થાન આપવું જરૂરી છે.

 

વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ પર સંસ્કૃતિના સંવર્ધન અને તેના જતનની વિશેષ જવાબદારી રહેલી છે. સમાજમાં નારીનું સ્થાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે.નારીના સન્માન અને ગૌરવનું રક્ષણ કરવું એ સમાજની નૈતિક જવાબદારી છે.યુવાનોમાં એવી વિચારધારા અને સંસ્કારનું નિર્માણ થવું જોઈએ કે જેનાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે.

તેમણે યુવાનોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે માત્ર શસ્ત્રના બળથી નહીં,પરંતુ મજબૂત વિચારો, જ્ઞાન અને સંસ્કારથી પણ સંઘર્ષ જીતવો જોઈએ.કોઈના હાથનું હથિયાર બનવા કરતાં ભગવાનના કાર્યનું સાધન બનવાની ભાવના કેળવવી જોઈએ. ભારતમાતા પ્રત્યે પ્રેમ,ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠા તથા સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના દરેક યુવાનમાં હોવી જોઈએ. શિક્ષણ અને વૈચારિક જાગૃતિના માધ્યમથી જ સમાજને વધુ સંગઠિત અને સશક્ત બનાવી શકાય છે.

કાર્યક્રમના અધ્યક્ષ અને કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે સમાજમાં આવા ધાર્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમો યોજાતા રહેવા જોઈએ.આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ આવે છે અને નવી પેઢીને પોતાની સંસ્કૃતિ, પરંપરા તથા પૂર્વજોના વિચારોનું જ્ઞાન મળે છે.દરેક વ્યક્તિએ સમાજ પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે આત્મશક્તિ અને આંતરિક બળનું જાગરણ જરૂરી છે.આ શક્તિ પ્રાપ્ત કરવા માટે દેવતાઓની ઉપાસના, વૈદિક પરંપરાનું જ્ઞાન અને આધ્યાત્મિક ચિંતન મહત્વપૂર્ણ છે.આપણા પૂર્વજો, ઋષિ-મુનિઓ અને મહાન વિચારકોએ જ્ઞાન તથા ધર્મના આધારે સમાજને દિશા આપી છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજને સિક્કાની બે બાજુ સમાન ગણાવી તેમણે જ્ઞાન અને રક્ષણની પરંપરાના પરસ્પર મહત્વ પર ભાર મૂક્યો હતો.વિદ્યાનંદજી મહારાજે વધુમાં સમજાવ્યું હતું કે વ્યક્તિ સમાજનો એક ભાગ છે,પરંતુ સમાજનું અસ્તિત્વ કોઈ એક વ્યક્તિ પૂરતું મર્યાદિત નથી.સમાજનું સંગઠન, એકતા અને સામૂહિક જવાબદારી જ તેની સાચી શક્તિ છે. વેદોનું અધ્યયન, વૈદિક પરંપરાનું જતન અને ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કરવું આજના સમયની જરૂરિયાત છે.તેમણે દેવતા અને ભગવતીના સ્વરૂપ તથા તેમની ઉપાસનાના મહત્વ અંગે સમજ આપતાં જણાવ્યું હતું કે સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય તો વૈદિક પરંપરાનું વાંચન,અધ્યયન અને તેના મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવવી પડશે.યુવા પેઢી પોતાની પરંપરાને સમજે અને તેને જીવનમાં ઉતારે તે માટે સમાજના આગેવાનોએ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

આ શસ્ત્ર પૂજન સમારોહમાં સમાજના અગ્રણીઓ કુલદીપસિંહ યાદવ,સરસસિંહ રાણા,કૃપાલસિંહ સિંધા,સંજયસિંહ યાદવ, હાર્દિકભાઈ,અજીતભાઈ, રાજુભાઈ,ધર્મેન્દ્રસિંહ, રણજીતસિંહ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા જયમીનસિંહ સિંધા, દેવેન્દ્રસિંહ ગોહિલ,દીપસિંહ સરવૈયા,વિરાટસિંહ રાજ, પ્રદીપસિંહ રાજ,મયુરસિંહ પરમાર સહિત રાજપૂત સમાજ યુવા સંગઠનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હંસરાજસિંહ છાસટીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!