ભરૂચ,
આમોદ તાલુકાના સુઠોદરા – દાંડા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પાસે નહેર નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.પોતાના ખેતરમાં દિવેલાના પાકની સ્થિતિ જોવા ગયેલા ખેડૂતપુત્રની નજર મૃતદેહ પર પડતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથધરી હતી.
આમોદ તાલુકાના સુઠોદરા- દાંડા ગામ નજીક નહેર પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે નજીક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેતરમાં દિવેલાના પાકની સ્થિતિ જોવા ગયેલા ખેડૂતપુત્રે મૃતદેહ જોતાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલને જાણ કરી હતી.
વિમલભાઈએ તાત્કાલિક આમોદ પોલીસનો સંપર્ક કરતાં પોલીસની ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.સ્થળ પર પહોંચેલી ટીમે તપાસ કરતાં વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.ત્યાર બાદ આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.
મહત્ત્વની વાત એ છે કે,મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.વ્યક્તિનું મૃત્યુ કયા સંજોગોમાં થયું અને તેની પાછળનું ચોક્કસ કારણ શું છે,તે જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.




