(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ ખાતે આરોગ્ય ક્ષેત્રે નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે,જ્યાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભાલોદ ગામ ખાતે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ સાથે જ વણાકપોર,સંજેલી અને રતનપોર ખાતે પણ પેટા આરોગ્ય કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ,મહિલાઓ,બાળકો અને વૃદ્ધોને સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ પ્રકારની સુવિધાઓ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતી વસાવા, ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ,સદસ્ય વિઠ્ઠલ વસાવા,વિક્રમસિંહ રાજ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



