– દેશભરનાં સુરક્ષા દળોનો અદભુત કદમતાલ, BSFની ડોગ સ્ક્વોડ અને ‘Fight Against Drugs’ની થીમ આધારિત બાઈક રેલી બનશે મુખ્ય આકર્ષણ
– CRPF, BSF, CISF, ITBP અને SSB ઉપરાંત વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ પણ પરેડમાં જોડાશે
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવના અદ્વિતીય પ્રતીક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે તૈયારીઓનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આગામી ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ માટે હાલ વિવિધ સુરક્ષા દળો અને ટુકડીઓ દ્વારા પૂરજોશમાં અંતિમ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.
પરેડમાં CRPF, BSF, CISF, ITBP અને SSB ઉપરાંત આસામ રાઇફલ્સ, NSG તેમજ આપત્તિ વ્યવસ્થાપનમાં અગ્રેસર રહેતા NDRFના જવાનો પોતાના અદમ્ય સાહસ અને શિસ્તનો પરચો આપશે. આ તમામ દળોના જવાનોના શિસ્તબદ્ધ કદમતાલથી હાલ એકતાનગરનું પરેડ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું છે.
‘વિવિધતામાં એકતા’ના સૂરને સાર્થક કરતા આ રાષ્ટ્રીય પર્વમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલી રાજ્ય પોલીસની ટુકડીઓ પણ ઉત્સાહભેર જોડાઈ છે.જેમાં આસામ,ત્રિપુરા,ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કેરળ અને આંધ્રપ્રદેશ સહિતનાં રાજ્યોની પોલીસ ટુકડીઓ ખભેખભા મિલાવીને માર્ચપાસ્ટની પ્રેક્ટિસ કરી રહી છે,જે સમગ્ર રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધતું એક ગૌરવશાળી દ્રશ્ય સર્જી રહ્યું છે.
આ પરેડમાં ગાર્ડ ઑફ ઑનર, ધ્વજવાહકો, NCC કેડેટ્સની શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ અને વિવિધ દળોના સૂરિલા બેન્ડની દેશભક્તિપૂર્ણ ધૂનો ઉપસ્થિત સૌ કોઈમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કરશે. આ ઉપરાંત, જાંબાઝ મોટરસાઈકલ ટુકડીઓ અને BSFની ચુસ્ત ડોગ સ્ક્વોડ પરેડમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને, સમાજ અને યુવાધનને નશામુક્તિનો મજબૂત સંદેશ આપવા માટે ‘Fight Against Drugs’ ની થીમ પર આધારિત નેશનલ મોટરસાઇકલ રેલી આ ઉજવણીને વધુ સાર્થક બનાવશે.




