– માટી ચોરી વધુ તપાસની માંગ કરતા માટી ચોરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો
ભરૂચ,
આમોદ તાલુકાના સરભાણ ગામે થયેલા માટી ચોરી પ્રકરણમાં વધુ તપાસની માંગ સાથે ભરૂચની એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં કરાતા માટી ચોરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં મૂળ ફરિયાદી બીપીનભાઈ સોમાભાઈ પટેલ લેખિત અરજી કરી સરકારી અધિકારીઓ અને ગ્રામ પંચાયતના તત્કાલીન હોદ્દેદારોની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરી હતી.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે માટી ચોરીના પ્રકરણમાં યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને માત્ર એક જ આરોપી સામે કાર્યવાહી કરીને અન્ય જવાબદાર લોકોને બચાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે. વધુમાં, ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા તા.૨૩ મે, ૨૦૨૨ ના રોજ રૂ. ૫.૯૩ કરોડથી વધુની દંડકીય વસૂલાત માટે જવાબદારી નક્કી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરી અન્ય જવાબદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
અરજદારે પોલીસ તપાસના તમામ કાગળો પૂરા પાડવા તેમજ સંબંધિત અધિકારીઓ અને તત્કાલીન ગ્રામ પંચાયતના હોદ્દેદારોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવાની રજૂઆત કરી હતી.આ પ્રકરણમાં સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.સરભાણ ગામના ૭૦ વર્ષીય બીપીનભાઈ પટેલે માટી ચોરી પ્રકરણમાં વધુ તપાસની માગ કરતી અરજી કરતા હાલ તો માટી ચોરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.




