– બ્રેક ફેલ થતા બસ રિવર્સ આવતા શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા ગયેલા ગ્રાહકોના વાહનો એસટી બસ નીચે દબાયા : અકસ્માતના પગલે ટ્રાફિકજામ
– સતત વાહનોથી ભરચક વિસ્તારમાં અકસ્માતની ઘટનાથી ભયનો માહોલ : સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી
ભરૂચ,
ભરૂચ શહેરના શાલીમાર ચોકડી નજીક ભરૂચ નગરપાલિકા પાસે એસટી બસની બ્રેક ફેલ થતાં અકસ્માતની ઘટના બની હતી. બસની બ્રેક ફેલ થતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસે શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલાં અનેક ટુ વ્હીલર વાહનોને અડફેટે લીધાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થઈ હતી.
ખરીદી કરવા આવેલા ગ્રાહકોનાં વાહનોને નુકસાન પ્રાથમિક માહિતી મુજબ, શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ પોતાનાં ટુ-વ્હીલર વાહનો બહાર પાર્ક કર્યાં હતાં. દરમિયાન ત્યાંથી પસાર થતી એસટી બસની બ્રેક ફેલ થતાં બસ સીધી પાર્ક કરેલાં વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અનેક ટુ-વ્હીલર વાહનોને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નહોતી. વાહનોને નુકસાન પહોંચતાં માલિકોમાં રોષ જોવા મળ્યો હતો.
દિવાળીમાં નવા ખરીદેલા વાહનોને નુકસાન થતાં નારાજગી દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકોએ નવાં વાહનો ખરીદ્યાં હોય ત્યારે અકસ્માતમાં વાહનોને નુકસાન પહોંચતાં લોકોની ખુશી પર પાણી ફરી વળ્યું હતું. શહેરના સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
બસને સ્થળ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરાઈ અકસમાત બાદ બ્રેક ફેલ થયેલી એસટી બસને સ્થળ પરથી દૂર કરવામાં આવી હતી.સાથે જ નુકસાનગ્રસ્ત વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.બીજી તરફ, એસટી બસોની ફિટનેસ અને પીયુસીની સમયસર તથા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
એસટી બસોની જાળવણી સામે સવાલો યોગ્ય જાળવણી વિનાની અથવા સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલી બસો રસ્તા પર દોડતી હોવાના આક્ષેપો વચ્ચે એસટી બસોની નિયમિત તપાસની જરૂરિયાત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આવી બેદરકારી નાગરિકોના જીવ અને માલમિલકત માટે જોખમરૂપ બની શકે છે.ત્યારે એસટી તંત્ર દ્વારા બસોની ટેકનિકલ સ્થિતિ અને જાળવણી અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.



