– 10 મોબાઈલ, ચાર વીંટી, એક મંગળસૂત્ર અને રોકડ રકમ મળી આવ્યા : પંજાબના દેવેન્દ્રસિંહ અને અમૃતપાલસિંહ પાસેથી પોલીસે 8,80,320 લાખનો મુદ્દામાલ કબ્જે
– સુરતથી વડોદરા વચ્ચે બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસ માંથી મહિલા મુસાફરનું પર્સ ચોરી કર્યો હોવાની કબૂલાત કરી
– જીઆરપી પોલીસેને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
ભરૂચ,
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન હેઠળ ભરૂચ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં બે શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી ચોરીના 10 મોબાઇલ ફોન, ચાર વીંટી, એક મંગળસૂત્ર અને રોકડ રૂ. 10,320 સહિત કુલ અંદાજિત રૂ.8,80320 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા. 7 નવેમ્બર 2026ના રોજ વડોદરા ડિવિઝનના સુરક્ષા નિયંત્રણ કક્ષ તરફથી માહિતી મળી હતી કે ટ્રેન નંબર 22902 ઉદયપુર સિટી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસના HA-1 કોચમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ ફરી રહ્યા છે.આ બાતમીના આધારે RPFની ટીમે સવારે 9:05 વાગ્યે ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન પર પહોંચતા જ કોચમાં તપાસ હાથધરી હતી અને બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડી RPF પોસ્ટ ખાતે લાવવામાં આવ્યા હતા.દરમ્યાન વડોદરા સુરક્ષા નિયંત્રણ કક્ષ તરફથી બીજી માહિતી મળી હતી કે ટ્રેન નંબર 22965 બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસના B-3 કોચની સીટ નંબર 39 પર મુસાફરી કરી રહેલી એક મહિલા મુસાફરનો લેડીઝ પર્સ ચોરી થયો છે.આ પર્સમાં ચાર વીંટી અને એક મંગળસૂત્ર સહિત અંદાજે 10 લાખની કિંમતના દાગીના હોવાની માહિતી મળી હતી.પકડાયેલા બંને શખ્સોની પૂછપરછ દરમ્યાન તેમણે પોતાનાં નામ (1) દેવેન્દ્રસિંહ પુત્ર સિમરજીતસિંહ, ઉંમર 25 વર્ષ, રહેવાસી આનંદપુર સાહિબ, જિલ્લા રૂપનગર, પંજાબ અને (2) અમૃતપાલસિંહ પુત્ર ભૂપેન્દ્રસિંહ, ઉંમર 24 વર્ષ, રહેવાસી વ્યાસ, જિલ્લા અમૃતસર, પંજાબ હોવાનું જણાવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં બંનેએ સુરતથી વડોદરા વચ્ચે બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસ માંથી મહિલા મુસાફરનો પર્સ ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. ચોરી કર્યા બાદ પર્સ બાથરૂમમાં છોડી દીધો હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત અલગ-અલગ ટ્રેનોમાંથી અન્ય સાત મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.
તપાસ દરમ્યાન તેમની પાસેથી કુલ 10 મોબાઇલ ફોન, ચાર સંભવિત સોનાની વીંટી, એક મંગળસૂત્ર અને રોકડ રૂ. 10,320 મળી આવ્યા હતા. આ ઉપરાંત 2 નવેમ્બર 2026ની તારીખની હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનની એક પ્લેટફોર્મ ટિકિટ પણ મળી આવી હતી.
બંને પકડાયેલા શખ્સોને મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે લેખિત મેમો દ્વારા GRP ભરૂચને સોંપવામાં આવ્યા હતા.



