– પ્રાચીન રામજી મંદિર, વિઠ્ઠલજી મંદિર અને રણછોડરાય મંદિરમાં ૫૬ ભોગ ધરાવાયા; ભજન-કીર્તન અને મહાઆરતી સાથે ભક્તિમય માહોલ છવાયો
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
દિવાળીના પડતર દિવસ અને નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં ધાર્મિક આસ્થા, શ્રદ્ધા અને ભક્તિના અનોખા સંગમ સાથે અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.નર્મદા નદીના પવિત્ર કિનારે વસેલા ભાલોદ ગામનાં પ્રાચીન રામજી મંદિર, વિઠ્ઠલજી મંદિર અને રણછોડરાય મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ ભગવાનને અન્નકૂટ ધરાવી ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.અન્નકૂટના દર્શનનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે.ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ નવા વર્ષની શરૂઆત ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને કરવાની ભાવના સાથે ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટી પડ્યા હતા. ભગવાનના દિવ્ય શણગાર અને ૫૬ ભોગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે સવારે ૧૦થી બપોરે ૧૨ વાગ્યા સુધી ભજન મંડળી દ્વારા ભજન-કીર્તનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભક્તિમય ભજનોના સૂર અને ભગવાનના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું.ત્યાર બાદ વિધિવત રીતે ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવી હતી.આરતીમાં ઉપસ્થિત ભક્તોએ જોડાઈ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. મહાઆરતી બાદ તમામ ભક્તો અને દર્શનાર્થીઓને અન્નકૂટની પવિત્ર પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.



