ભરૂચ,
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદની મિલકતની માલિકી અને દસ્તાવેજી નોંધણીને લઈને વિવાદ ગરમાયો છે.સ્વામી મુક્તાનંદ અને ચક્રચર સંપ્રદાયના સંત નાગરાજ કપાટેના નેતૃત્વમાં સનાતની હિન્દુ સમાજ, જૈન સમાજ અને મહાનુભાવ પંથના અનુયાયીઓએ શક્તિનાથ ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મસ્જિદની જમીન મૂળભૂત રીતે પુરાતત્વ વિભાગ (ASI) હસ્તકનું પ્રાચીન મંદિર હોવાનો દાવો કર્યો છે. સાથે જ મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં ખાનગી ટ્રસ્ટના ટ્રસ્ટીઓનાં નામ ગેરકાયદેસર રીતે દાખલ કરાયાં હોવાનો આક્ષેપ કરી તેને દૂર કરવાની માંગ કરી છે.જ્યારે બીજી તરફ, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટે આ આક્ષેપોને ફગાવી તમામ દસ્તાવેજો, નોંધણી અને વહીવટી પ્રક્રિયા કોર્ટના આદેશ તથા વક્ફ બોર્ડના નિયમો મુજબ કાયદેસર હોવાનો દાવો કર્યો છે.
મુક્તાનંદ સ્વામી સહિતના અરજદારો દ્વારા કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલ જામા મસ્જિદ તરીકે ઓળખાતું સ્થળ આશરે 2,000 વર્ષ જૂનું સનાતની હિન્દુ-જૈન મંદિર તેમજ મહાનુભાવ સંપ્રદાયના સ્થાપક ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે. અરજદારોના આક્ષેપ મુજબ, આ સ્થળના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી તેના પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ 1941થી આ મિલકત ભરૂચના સિટી સર્વે રેકોર્ડમાં ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ની મિલકત તરીકે નોંધાયેલી છે. તેમ છતાં વર્ષ 1961માં મેજિસ્ટ્રેટના આદેશનો હવાલો આપી સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડમાં ખાનગી ટ્રસ્ટના ત્રણ ટ્રસ્ટીઓનાં નામ દાખલ કરવામાં આવ્યાં હતાં. અરજદારોના જણાવ્યા મુજબ, સંબંધિત ચુકાદામાં મિલકત ખાનગી ટ્રસ્ટની હોવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી.આ ઉપરાંત મિલકતના નંબરને લઈને પણ દસ્તાવેજી વિસંગતતા હોવાનો આક્ષેપ કરાયો છે. મ્યુનિસિપલ કાઉન્સિલના રેકોર્ડમાં આ રાષ્ટ્રીય વારસાની મિલકતનો નંબર C-1606 દર્શાવાયો છે, જ્યારે ટ્રસ્ટના PTRમાં C-1515 નંબરનો ઉલ્લેખ છે. અરજદારોના દાવા મુજબ, C-1515 નંબર લાલબજારની રાજપૂત સ્ટ્રીટ, વોર્ડ નંબર 10માં આવેલી દેવજીભાઈ રતિલાલ અને ગુમાનસિંહ મણિલાલના નામે નોંધાયેલી મિલકતનો છે.
અરજદારોએ વધુમાં જણાવ્યું છે કે ASIના વડોદરા વિભાગ દ્વારા 13 મે 2025 અને 25 નવેમ્બર 2025ના રોજ ભરૂચ કલેક્ટર કચેરીને પત્ર પાઠવી પ્રોપર્ટી કાર્ડમાંથી ટ્રસ્ટીઓનાં નામ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરી કલેક્ટર દ્વારા તાત્કાલિક તપાસ કરી મિલકતના રેકોર્ડમાં જરૂરી સુધારા કરવાની માંગ કરવામાં આવી છે.
કલેક્ટર કચેરી ખાતે મીડિયા સાથે વાતચીત દરમ્યાન સ્વામી મુક્તાનંદએ જણાવ્યું હતું કે,આ મિલકત મૂળભૂત રીતે ભારત સરકારના પુરાતત્વ વિભાગ હસ્તકની છે.વર્ષ 1961માં કાયદાની પ્રક્રિયાનો ખોટો હવાલો આપી ખાનગી ટ્રસ્ટના ટ્રસ્ટીઓનાં નામ દાખલ કરવામાં આવ્યાં હોવાનો અમારો આક્ષેપ છે. કલેક્ટર પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી આ નામો દૂર કરે અને રાષ્ટ્રીય વારસાની મિલકતને સરકારી રેકોર્ડમાં પુનઃસ્થાપિત કરે તેવી અમારી માંગ છે.
બીજી તરફ સમગ્ર મામલે જુમ્મા મસ્જિદ ભરૂચના ટ્રસ્ટી અબ્દુલ કામથીએ ટેલિફોનિક વાતચીતમાં આક્ષેપોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ટ્રસ્ટ પાસે તમામ દસ્તાવેજો કાયદેસર છે.અગાઉ ટ્રસ્ટીઓની નિમણૂક ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કરવામાં આવતી હતી.જોકે, વર્ષ 1995માં ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની રચના થયા બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જ ટ્રસ્ટીઓની નિમણૂક અને વહીવટ વક્ફ બોર્ડ હેઠળ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. આ કોર્ટના આદેશના આધારે જ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં ટ્રસ્ટીઓની નોંધણી કરવામાં આવી છે.
ટ્રસ્ટીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે બહારના રાજ્યમાંથી આવી કેટલાક લોકો ભરૂચના વર્ષો જૂના કોમી એખલાસ અને ભાઈચારાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભરૂચના હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના આવા પ્રયાસોને સફળ થવા દેવામાં આવશે નહીં તેમ પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ ભરૂચના તમામ ધર્મના લોકો વર્ષોથી શાંતિ અને સંપથી રહેતા આવ્યા છે અને આ પરંપરા જળવાઈ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આમ એક તરફ હિન્દુ સંગઠનો દ્વારા ઐતિહાસિક મિલકતના માલિકી હક અને દસ્તાવેજોમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ કરી ટ્રસ્ટીઓનાં નામ દૂર કરવાની માંગ કરવામાં આવી છે, તો બીજી તરફ ટ્રસ્ટ દ્વારા કોર્ટના આદેશ અને વક્ફ બોર્ડની નોંધણીના આધારે પોતાની કાર્યવાહી કાયદેસર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.હવે બંને પક્ષોની રજૂઆતો અને સંબંધિત દસ્તાવેજોની તપાસ બાદ જિલ્લા વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.




