– જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
– ભરૂચ જિલ્લામાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન તથા ભાષાનું ગૌરવ વધારવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણી
ભરૂચ,
વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, શિક્ષણ નિરીક્ષક ભારતભાઈ સલાટ,ડો.દિવ્યેશભાઈ પરમાર તેમજ આચાર્ય અને સંસ્કૃત મહોત્સવના નોડલ અધિકારી હિરલબેન મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટયથી લીલી ઝંડી સાથે સંસ્કૃત ભાષાના સુભાષિત, શ્લોક, નર્મદા સ્તુતિ, ભવાની અષ્ટકમ, વેદોચ્ચાર અને ગરબા સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. સંસ્કૃત ગૌરવ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ભવ્ય વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક વેશભૂષા સાથે સામેલ થયા હતા. સંસ્કૃત ગૌરવ યાત્રામાં, પદાધિકારી, સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દબદબાભેર પદયાત્રા જોડાયા હતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી લઈ શક્તિ સર્કલ થઈ કલેકટર કચેરી સુધી યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં સંસ્કૃત ભાષાના ભવ્ય સંગીતમય માદ્યુર્ય, વિદ્યાર્થી બેન્ડ, લેઝીમ, ડંબેલ્સ, સંસ્કૃત ભાષાનું ગૌરવ અને વારસો દર્શાવતી વિવિધ ઝાંખી, બેનર્સ અને રથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રીસ્વાતિબા કે. રાઓલએ સૌને આવકારતા કહ્યું હતું કે, સંસ્કૃત ભાષાના ઉદ્ભવ, વિકાસ, ભવ્યતા અને તેની પવિત્રતાની શાબ્દિક માર્ધુયમય વાણીમાં સર્વેને ઝાંખી કરાવી, સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન તથા ભાષાનું ગૌરવ વધારવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા સંસ્કૃત ગૌરવ યાત્રા જેવા કાર્યક્રમો ઘરે – ઘરે સંસ્કૃત ભાષાને પહોચાડવામાં મહત્વનો ભાગ ભજવશે. તેમજ કાર્યક્રમમાં જોડાયેલ તમામ શાળાઓ અને ભાગ લેનાર તમામ શાળાઓના તેજમય વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ‘વિશ્વ સંસ્કૃત દિન’ની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સમગ્ર રાજ્યમાં તા.૬ થી ૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થઈ રહી છે.
મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલી સંસ્થાના પ્રતિનિધિઓ, શહેર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.




