– રાજકીય કિન્નાખોરીથી ઈરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધી હોવાનો મૃતકની પત્નીએ આક્ષેપ કરતા ચકચાર
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટર સાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું.જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઈરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવા રહે.ગામ શિયાલી તા.ઝઘડિયાનાએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટર સાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા.તે સમયે મેઈન રસ્તા પર એક ટ્રક ઉભેલી હતી.ત્યાર બાદ સવા દસ વાગ્યાના અરસામાં ઘાસ કાપીને તેનો ભારો મોટરસાયકલ પાછળ બાંધીને ભોગીલાલભાઇ મોટરસાયકલ ચાલુ કરીને ઘરે જવા નીકળ્યા હતા,તે દરમ્યાન બાડાબેડા ત્રણ રસ્તા તરફથી એક ટ્રકનો ડ્રાઈવર સ્પિડથી ટ્રક ચલાવીને આવ્યો હતો.આ ટ્રક ભોગીલાલભાઈની મોટર સાયકલ પર ચડી જતા મોટર સાયકલ ટ્રક સાથે થોડે દુર સુધી ઘસડાઈ હતી.આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ભોગીલાલ વસાવા ગંભીર રીતે જખ્મી થતાં તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.જોકે મૃતક ભોગીલાલ વસાવાની પત્ની ઉજમબેન વસાવાએ પોલીસ ફરિયાદમાં આ ટ્રક તેમના પતિની મોટરસાયકલ પર ઈરાદાપૂર્વક ચડાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.તેમજ સુભાષભાઈ નામના માણસે ભોગીલાલભાઈ ના સંબંધી નિલેશભાઈને ફોન દ્વારા આ ટ્રકનો કબ્જો દિલિપભાઈ વસાવા અને રણજીતભાઇ વસાવા પાસે હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.મૃતક ભોગીલાલ વસાવાની પત્ની ઉજમબેન વસાવાએ તેમના પતિ પર ઈરાદાપૂર્વક ટ્રક ચડાવી દઈ તેમનું મોત નીપજાવ્યું હોવાના આક્ષેપ સાથે ટ્રક ચાલક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી ઘટનામાં રાજકીય કિન્નાખોરીથી આ કૃત્ય કરેલ હોવાનો આક્ષેપ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.




