ટ્રક મકાન સાથે અથડાતા થયેલ નુકશાનનું રિપેરિંગ કરી આપવાની બાંહેધરી બાદ પણ રિપેરિંગ નહીં થતા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

SHARE:

– ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં રેતીની ટ્રક મકાન સાથે અથડાતા મકાનને રૂપિયા આઠ લાખનું નુકશાન

– દોઢ મહિના અગાઉ બનેલ ઘટનામાં સ્થાનિક કોન્ટ્રાક્ટરે રિપેરિંગ કરી આપવાનું કહ્યા બાદ ફરી જતા મકાન માલિકે હાલ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવી

(જ્યશીલ પટેલ)

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક એક મકાન સાથે રેતી ભરેલ ટ્રક અથડાતા મકાનની દિવાલો અને બીમને નુકશાન થયું હતું.

આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ માંથી મળતી વિગતો મુજબ મુળ ઓરિસ્સાના રહીશ અને દહેજ ખાતે નોકરી કરતા રવિન્દ્રકુમાર અર્જુનશરણ શાહુ હાલ ભરૂચના શ્રવણ ચોકડી ખાતે વી.ડી.ટાઉનશીપમાં પરિવાર સાથે રહે છે.દરમ્યાન ગત તા.૧૫ મી જુલાઈના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં એક રેતી ભરેલ ટ્રક તેમના મકાન સાથે અથડાતા મકાનનો બીમ તેમજ નીચે ઉપરની દિવાલોને નુકશાન થયું હતું.ઘટના બાદ ટ્રક સ્થળ ઉપર મુકીને ડ્રાઈવર જતો રહ્યો હતો.આ અકસ્માત બાદ સોસાયટીમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા કોન્ટ્રાક્ટર મેલસીંગભાઈ દોલતભાઈએ મકાન માલિક રવિન્દ્રકુમારને જણાવેલ કે મકાનને જે નુકશાન થયું છે તે અમે રિપેર કરી આપીશું,તમે ટ્રકને લઈ જવા દો.જેથી રવિન્દ્રકુમારે ટ્રકને ત્યાંથી લઈ જવા દીધી હતી.ત્યાર બાદ મકાન રિપેરિંગ કરી આપવાની બાહેંધરી લેનાર કોન્ટ્રાક્ટર થોડા દિવસ બાદ સ્થળ પર આવતા મકાનને અંદાજે રૂપિયા આઠ લાખ જેટલું વધારે નુકશાન થયેલ હોવાનું જણાતા તેમણે મકાનનું રિપેરિંગ કરી આપવાની ના પાડી હતી.તેથી રવિન્દ્રકુમાર શાહુએ મકાન સાથે રેતી ભરેલ ટ્રક અથાડીને મકાનને રૂપિયા આઠ લાખ જેટલું નુકશાન પહોંચાડનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!