– વર્ષોથી તળાવમાં મોટા પ્રમાણમાં ઉગી નીકળેલ વનસ્પતિને લઈને તળાવના સ્થાને જંગલ ઉભુ હોય એમ દેખાય છે!
– લાંબા સમયથી સમસ્યા હોવા છતાં તળાવની સાફસફાઈ બાબતે તંત્રની ઉદાસીનતાથી લોકોમાં રોષ
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સિમધરા ગામે આવેલ તળાવ કાયમ માટે વનરાજીથી છવાયેલું રહેતું હોઈ તળાવના સ્થાને કોઈ જંગલ વિસ્તાર ઉભો હોય એમ દેખાય છે !
મળતી વિગતો મુજબ સિમધરા ગામે વર્ષોથી તળાવ આવેલું છે.આ તળાવમાં મોટાપ્રમાણમાં વનસ્પતિ ઉગેલ હોવાથી તળાવ કાયમ વનરાજીથી છવાયેલું રહે છે,જેને લઈને તળાવ જેવું કંઈ દેખાતું નથી !સિમધરા ગામના જાગૃત નાગરિક સોમાભાઈ વસાવાના જણાવ્યા મુજબ સિમધરા ગામ કરાડ ગ્રામ પંચાયતમાં છે અને જ્યાં તળાવ છે તે જગ્યા રતનપુર ગ્રામ પંચાયતની હદમાં છે.તેમણે વધુમાં જણાવ્યું કે તળાવમાં લાંબા સમયથી મોટા પ્રમાણમાં વનસ્પતિ ઉગી નીકળેલ હોવાથી તેમણે ૨૦૧૪ ના વર્ષ દરમ્યાન પણ ગ્રામ પંચાયતો સહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરેલ હતી.પરંતું તળાવની સાફ સફાઈ માટે કોઈ કાર્યવાહી થઈ નથી.તળાવમાં ઉગેલ વનસ્પતિમાં મોટાપ્રમાણમાં ઝેરી સરીસૃપ વર્ગના જાનવર રહેતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને સાપ જેવા ઝેરી જાનવર તળાવમાંથી બહાર નીકળીને અવારનવાર તળાવ નજીક આવેલ રહેણાંક મકાનોમાં ઘુસી જતા હોઈ લોકો ઉંચા જીવે જીવી રહ્યા છે.અવારનવાર ઘરોમાં ઘુસી જતા ઝેરી જાનવરો કરડવાની દહેશત રહેલી હોઈ કોઈવાર જાનહાનીની સંભાવના પણ જણાઈ રહી છે.લોકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર દ્વારા તાકીદે તળાવની સાફસફાઈ હાથધરીને લાંબા સમયથી લોકોને પડતી આ હાડમારીનું નિવારણ કરવામાં આવે.આ કાયમની જેવી બનેલ સમસ્યાનો જો હલ નહિ આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનનો આસરો લેવાય તો પણ નવાઇ નહિ ગણાય !

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is